Site icon Revoi.in

રાજ્ય સરકારે તમામ માગણીઓ સ્વીકારી લેતા તબીબોની હડતાળનો સુખદ અંત

Social Share

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે જ સરકારી તબીબોએ સરકારનું નાક દબાવીને પોતાની માગણી ઉકેલવામાં ન આવે તો હડતાલનું એલાન આપ્યું હતું. આથી ગાંધીનગરમાં આરોગ્ય મંત્રીની બેઠક યોજાઈ હતી. પડતર પ્રશ્નો મુદ્દે તબીબોએ લેખિતમાં માંગ કરી હતી. તબીબોની આરોગ્યમંત્રી, વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થઈ  હતી. આ બેઠક બાદ ડોક્ટરોની હડતાળનો અંત આવ્યો છે. બેઠક બાદ તબીબોના પ્રતિનિધિએ જણાવ્યુ હતું કે, સરકારે જે હૈયાધારણા આપી, જે મુદ્દા ઉકેલ્યા એ માટે આભારી છીએ. 2012 થી કેટલાક મુદ્દાઓ બાકી હતા, જેનો અંત આવ્યો છે. સરકારે અમારી તમામ માગણીઓ પૂરી કરી છે. સેવા વિનિયમિત, એડકોહ સેવા, બઢતી આપવી, ઉચ્ચતર પગાર ધોરણ આપવું વગેરે માગ સ્વીકારી લેવામાં આવી છે. સરકારે હકારાત્મક અભિગમ બતાવતા હડતાળ પાછી ખેચીએ છીએ. તબીબોની જગ્યાઓ ખાલી છે એ અંગે પણ જગ્યાઓ ભરવા વાત થઈ છે. કોવિડ વખતે ડોકટરોએ જાનની બાજી લગાવી છે, સરકારે તબીબો પ્રત્યે સહાનુભૂતી દાખવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતભરના 10 હજાર ડોક્ટરો હડતાળ પર ઉતરવાના હતા. પડતર પ્રશ્નો મામલે નિરાકરણ ના આવતા ડોક્ટરો ત્રીજી લહેરમાં આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા અને હડતાળના માર્ગે જવાના હતા. ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર્સ ફોરમે આરોગ્ય વિભાગને જાણ કરી હતી. 14 જાન્યુઆરીએ ડોકટર્સ ફોરમની ઓનલાઇન બેઠક મળી હતી. જેમાં કોઈ ઉકેલ ના આવે ત્યાં સુધી આંદોલન કરવાનો નિર્ણય લેવાયો હતો. GMTA, GIDA, GMERS, ઈન- સર્વિસ ડોકટર્સ, ESIS જેવા સંગઠનો જોડાવાના હતા. પરંતુ તબીબો હડતાળ પર ઉતરે તે પહેલા જ તમામ પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવી ગયું છે. તબીબોની હડતાળનો સુખદ અંત આવતા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ રાહત અનુભવી હતી.