Site icon Revoi.in

અમદાવાદના શીલજમાં સાડા સાત કરોડના ખર્ચે આરોગ્ય વન બનાવાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં પ્રદૂષણ વધતું જાય છે. તેની સામે વધુને વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવાનું મ્યુનિ.કોર્પોરેશને નક્કી કર્યું છે.શહેરને હવે ગ્રીનકવર કરવા માટે મિશન મિલિયન ટ્રી અભિયાન, મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષો ઉગાડવામાં આવી રહ્યાં છે. કોર્પોરેશનના પ્લોટ તેમજ ગાર્ડનમાં વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે, જેથી શહેરના ગ્રીન કવચમાં નોંધપાત્ર વધારો થયો છે. કેવડિયામાં તૈયાર થયેલા વનને ધ્યાનમાં લઈ મ્યુનિ.કોર્પોરેશને પણ “આરોગ્ય વન” તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. શીલજ તળાવ પાસે રૂ. 7.50 કરોડના ખર્ચે આ વન બનાવવામાં આવશે. આ વનમાં આરોગ્યને લગતા ઔષધીય રોપાનો ઉછેર કરવામાં આવશે. આરોગ્ય વન બનાવવા માટે ટેન્ડર ગાર્ડન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના  શીલજ ગામ તળાવ પાસે 20 હજાર ચોરસ મીટર જમીન પર આરોગ્ય વન બનાવવામાં આવશે. જેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ડિસેમ્બરમાં ટેન્ડર ખુલશે અને એકાદ વર્ષમાં આ આરોગ્ય વન બનીને તૈયાર થઈ જશે. આ વનમાં આરોગ્યને લગતી તમામ ઔષધીય છોડ ઉગાડવામાં આવશે. 60થી વધુ વિવિધ જાતના પાંચ હજાર કરતા વધુ રોપા લગાવવામાં આવશે. શહેરના ગ્રીન કવરમાં વધારો થાય તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી “મિશન મિલિયન ટ્રી”ના લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં આવી રહ્યા છે. જાપાની મિયાવાંકી પદ્ધતિથી ગોતા અને બાપુનગર ખાતે એક જ દિવસે મોટા સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યા છે. શહેરમાં વિકાસના નામે આડેધડ વૃક્ષો કાપવામાં આવતા હતા, તેની સંખ્યા ઘટાડવા તેમજ મોટા વૃક્ષોને રિ-પ્લાન્ટ કરવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે.