Site icon Revoi.in

ગુજરાતનો 1600 કિમી દરિયા કાંઠાની સુરક્ષાના સંદર્ભે CMની ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી

Social Share

ગાંધીનગરઃ  ગુજરાતમાં સૌથી લાંબો 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. અને દરિયા કિનારા વિસ્તારોમાં હથિયારો અને ડ્રગ્સની હેરાફેરી વધી ગઈ હોવાથી સરકાર એક્શનમાં આવી ગઈ છે. દરમિયાન  ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટરો તેમજ પોલીસ તંત્રના અધિકારીઓએ પોતાના વિસ્તારની સુરક્ષા અંગે રિપોર્ટ રજુ કર્યો હતો. એકંદરે દરિયાઈ સુરક્ષાને લઈને સરકાર એકદમ સાવચેત થઈ ગઈ હોવાથી ગુનેગારોના બદઈરાદા હવે કોઈપણ ભોગે પાર પડવા દેવામાં આવશે નહીં.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી  બેઠકનો પ્રારંભ સવારે 10:30 વાગ્યે થયો હતો. જેમાં  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી ઉપરાંત ડીજીપી વિકાસ સહાય, કાયદો વ્યવસ્થા વિભાગના વડા નરસિમ્હા કોમાર, આઈબીના વડા અનુપમસિંહ ગેહલોત, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જામનગર એસપી પ્રેમસુખ ડેલુ, દ્વારકા એસપી નીતેશ પાંડે ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા તમામ જિલ્લાના કલેક્ટરોએ અત્યંત મહત્ત્વના મુદ્દાને લઈને ચર્ચા કરી હતી.  આ બેઠકનો મુખ્ય એજન્ડા બોર્ડર સિક્યુરિટી, ડ્રગ્સ, હથિયારોની હેરાફેરી ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામના મુદ્દા ચર્ચવામાં આવ્યા હતા.
આ ઉપરાંત બાયોમેટ્રિક વેરિફિકેશ, દરિયાઈ સુરક્ષા સહિતના મુદ્દા પણ ચર્ચાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ ગુજરાતના દરિયાકાંઠેથી અબજો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ પકડાયું હતું   સાથે સાથે હથિયારો પણ મોટી માત્રામાં મળી રહ્યા છે. બીજી બાજુ પાડોશી દેશોના આતંકીઓ ડ્રગ્સ તેમજ હથિયાર ગુજરાતના દરિયાકાંઠે ઘુસાડી ત્યાંથી અન્ય રાજ્યોમાં મોકલી રહ્યા હોવાથી હવે તેમના આ ઈરાદાઓ બર ન આવે તે માટે સરકાર કોઈ પ્રકારની કચાશ રાખવા દેવા માંગતી નથી એટલા માટે જ ખુદ મુખ્યમંત્રી-ગૃહમંત્રીએ  આ મુદ્દે ગાંધીનગરમાં બેઠક બોલાવી હતી.