Site icon Revoi.in

યાત્રાધામ બહુચરાજીમાં ચૈત્રી પુનમના મેળાનો પ્રારંભ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

Social Share

બેચરાજીઃ  રાજ્યના સુપ્રસિદ્ધ તીર્થધામ બહુચરાજીમાં ચૈત્રી પૂનમના ત્રિદિવસીય લોકમેળાનો આજે બુધવારે રંગેચંગે પ્રારંભ થયો હતો. આજે સવારથી જ હાથમાં લાલ ધજા અને પગપાળા સંઘો સાથે શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થતાં ભક્તિમય માહોલ જામ્યો છે. જેનાં સ્મરણ માત્રથી દુ:ખ દૂર થાય છે તેવી મા બહુચરનાં પ્રાગટ્ય દિને દર્શન કરી ધન્ય બનવા હજારો શ્રદ્ધાળુઓ ઊમટી રહ્યાં છે.  માનાં ભક્તોની સેવામાં સ્વયંસેવકો અને તંત્રમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બહુચરાજીમાં આજે બુધવારથી ચૈત્રી પુનમના ત્રણ દિવસના મેળાનો પ્રારંભ થતાં જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. બહુચરાજી મંદિરમાં પોલીસ કવાર્ટર પાસેના દરવાજેથી દર્શનાર્થીઓને, જ્યારે માનસરોવર દરવાજેથી સંઘોને પ્રવેશ અપાઇ રહ્યો છે. ઉત્તર અને દક્ષિણ દરવાજેથી બહાર નીકળવાની વ્યવસ્થા કરાઇ છે. માનાં શાંતિથી દર્શન થઇ શકે તે માટે બુધવારે વહેલી સવારે 5-30 થી ગુરુવારે પૂનમની રાત્રે માતાજીની સવારી શંખલપુર જઇ પરત આવે ત્યાં સુધી મંદિરનાં દ્વાર સતત ખુલ્લાં રહેશે, ભક્તોને ગરમીમાં તકલીફ ન પડે તે માટે મંદિર પરિસરમાં લાલજાજમ બિછાવાઇ છે. બંદોબસ્તમાં 721 પોલીસ જવાનો તૈનાત કરાયા છે. આજે બુધવારે ધારાસભ્ય સુખાજી ઠાકોરના હસ્તે જિલ્લા કલેક્ટર એમ નાગરાજન, યાર્ડના ચેરમેન વિજય પટેલ, મંદિરના વહિવટદાર એસ.ડી. પટેલ સહિતની હાજરીમાં શાત્રોક્ત વિધિ મુજબ ચૈત્રી લોકમેળાને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બહુચરાજીના દર્શન માટે આવી રહેલા ભાવિકો માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોની સલામતી માટે બહુચર માતાજીના મંદિર પરિસર, ચાર દરવાજા, હાઈવે સર્કલ, દર્શનપથ, મુખ્ય પ્રવેશદ્વાર, ચૌલક્રિયા ભવન, મુખ્ય બજાર અને એરાઈવલ પ્લાઝા સહિત યાત્રિકોથી ધમધમતાં સ્થળો પર 65 સીસીટીવી કેમેરા ગોઠવાયાં છે. તેમજ  મેળા દરમિયાન 53 એકસ્ટ્રા બસોના સંચાલન માટે ત્રણ બુથ ઊભા કરાયાં છે. જેમાં બહુચરાજી વર્કશોપની બાજુના મેદાનમાં મહેસાણા, પાટણ તરફ જતી બસોનું, શંખલપુર રોડ પર કંકુમાના આશ્રમ પાસે હારિજ, રાધનપુર તરફ જતી બસોનું અને વિરમગામ રોડ પર પેટ્રોલપંપ પાસે દસાડા, માંડલ, શંખેશ્વર, વિરમગામ અને સૌરાષ્ટ્ર તરફ જતી બસોનું સંચાલન થશે. (file photo)