Site icon Revoi.in

વાડીમાં તારની વાડમાં વીજ કરંટ મુકાયો, અડકી જતાં સિંહણનું મોત, ખેડુતને રિમાન્ડ પર લેવાયો

Social Share

અમરેલી  :  ગીરના જંગલમાં સિંહની વસતીમાં વધારો થતાં વનરાજો શિકારની શોધમાં ધારીના રેવન્યુ વિસ્તારોમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે. જો કે અમરેલી જિલ્લાના લોકો સિંહપ્રેમી હોવાથી સિંહને કોઈ ખલેલ પહોંચાડતા નથી. પરંતુ કેટલાક ખેડુતો ભૂંડ અને નીલ ગાયના ત્રાસથી પોતાની વાડી ફરતે કાંટાળી વાડમાં ઈલે. કરંટ મુકતા હોય છે. અને ઘણીવાર સિંહ પણ તેનો ભોગ બનતા હોય છે. ત્યારે ધારીના ઉંટવડ ગામની સીમમાં એક ખેડુતો પોતાની વાડીમાં કાંટાળી વાડમાં વીજળીનો કરંટ મુક્યો હતો. દરમિયાન એક સિંહણ આવી જતાં વીજળીનો કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ ધારી ગિર પૂર્વની જસાધાર રેન્જમાં ઇલેક્ટ્રિક શોક લાગવાને કારણે સિંહણનું મોત નીપજ્યું હતું. ઉંટવડ ગામના એક ખેતરમાં લગાવવામાં આવેલા વીજ શોકનાં કારણે સિંહણનું મોત નીપજ્યું હતું. વાડી વિસ્તારમાં બે શખસ દ્વારા ઇલેક્ટ્રિક વીજ શોક મૂકવામાં આવતાં સિંહણ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે વન વિભાગ દ્વારા આરોપીને પકડીને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અને રિમાન્ડ પૂર્ણ થતાં બન્નેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉંટવડ ગામના રેવન્યુ વિસ્તારમાં આવેલા એક ખેતરમાં ટીસીમાંથી વાયર ખેંચીને કાંટાની વાડ સાથે જોડવામાં આવ્યો હતો. દરમિયાન તાર ફેન્સિંગમાં અડી જવાને કારણે અહીંથી પસાર થતા સમયે અંદાજિત 9 વર્ષની સિંહણનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ થતાં ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. સિંહણનો મૃતદેહ કબજે લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યો હતો. ઉપરાંત પીજીવીસીએલની ટીમને સાથે રાખીને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સિંહણનું મોત વીજશોકથી થયું હોવાનું ખૂલ્યું હતું. ત્યાર બાદ વન વિભાગ જસાધાર રેન્જ ફોરેસ્ટ સહિતની ટીમ દ્વારા સ્કેનિંગ હાથ ધરતા લખમણ બીજલ સોલંકી, પ્રવિણસિંહ જોરૂભા ગોહિલની રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અને ઊના કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. રિમાન્ડ મંજૂર થતાં વન વિભાગ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.