Site icon Revoi.in

અમદાવાદના વસ્ત્રાલમાં રોડ પર મોટો ભૂવો પડ્યો, સદનસીબે વાહનચાલકો બચી ગયા

Social Share

અમદાવાદઃ શહેરમાં વરસાદી સીઝનમાં રોડ પર એકાએક ભૂવા પડવાના બનાવો બનતા હોય છે. ઘણીવાર તો ટ્રાફિકથી ધમધમતા રોડ પર ભૂવો પડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. શહેરના પૂર્વ હોય કે પશ્ચિમ અનેક વિસ્તારોમાં ભૂવા પડ્યા છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં સુરભી પાર્ક પાસે મેટ્રો રેલના રૂટ પરના રોડ પર એકાએક  મોટો ભૂવો પડ્યો હતો. સૌથી પહેલા રોડ બેસી ગયો હતો અને ત્યાર બાદ ભૂવામાં આખો રોડ સમાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ હતી. રોડ બેસી ગયા બાદ ધીરે-ધીરે પોલાણ થયું હતું અને માત્ર પાંચ સેકન્ડમાં જ ભુવો પડી ગયો હતો. આખો ભૂવો પાણીથી ભરાઈ ગયો હતો. શહેરમાં અનેક જગ્યાએ આ રીતે ભૂવા પડ્યા છે અને હજી સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ માત્ર બેરીકેડ જ ઊભા કર્યા છે.

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં સુરભી પાર્ક પાસે મેટ્રો પિલર નંબર 129 પાસે મસ મોટો ભૂવો પડ્યો હતો. આ રોડ બનાવવાની કામગીરી એક મહિના પહેલાં જ થઈ હતી અને ત્યારબાદ આ ભૂવો પડતા કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે. રોડ પર પડતા ભૂવા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશોએ એકબીજાના વિભાગ ઉપર દોષારોપણ ઢોળી રહ્યા છે. રોડ પર પડતા ભૂવા રોડ વિભાગ નહીં પરંતુ એન્જિનિયરિંગ વિભાગમાં આવે છે. કારણ કે પાણી અને ડ્રેનેજ લાઈન નબળી હોવાના કારણે રોડ પર ભૂવા પડે છે જ્યારે ભૂવા પડવા પાછળ રોડ બનાવવાની કામગીરી ગુણવત્તા યોગ્ય ના હોવાથી રોડ બેસી કે તૂટી જતાં હોવાનો આક્ષેપ એન્જિનિયરિંગ વિભાગ કરે છે.

અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં કુલ 25 જેટલી જગ્યાએ ભૂવા પડ્યા છે. આશ્રમરોડ પર વલ્લભ સદન પાસે ચાર રસ્તા પર, ગુજરાત કોલેજ રોડ પર ચાર રસ્તા પાસે, કર્ણાવતી ક્લબની સામે વગેરે જગ્યા પર ભૂવા પડવાની ઘટનાઓ બની છે દરેક જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા બેરીકેડ મારી દેવામાં આવ્યા છે. જોકે એક પણ જગ્યાએ હજી સુધી તાત્કાલિક રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ ઉપરાંત જો કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય અથવા અધિકારીની જવાબદારી હોય તો તે નક્કી કરી અને જે રીતે કામગીરી કરવી જોઈએ તે કામગીરી હજી સુધી થઈ નથી.