Site icon Revoi.in

ખારઘોડાના નાના રણમાં નર્મદા કેનાલના પાણી ફરી વળ્યા બાદ વિદેશી પક્ષીઓનું મોટાપાયે આગમન

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના ખારાઘોડા અને પાટડીનો અફાટ રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. મહિના પહેલા નર્મદા કેનાલ ઉભરાતા તેનું  પાણી દેગામ અને સોની મંડળી થઇ 40થી 50 કિમીથી પણ વધારે વિસ્તારમાં ફરી વળ્યું હતું. તેને લીધે ખારાઘોડાના રણમાં છીછરા પાણીનું સરોવર બની ગયુ હતુ. જેમાં હાલ  વિદેશી નયનરમ્ય પક્ષીઓનો અનોખો મેળાવડો જામ્યો છે. હાલમાં ખારાઘોડા રણમાં નર્મદાના નીર અગરિયા માટે આફત અને વિદેશી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન બની ગયુ છે. માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ સમા એવા વેરાન રણમાં હજારો કિમી દૂર આવેલા સાઇબેરીયા, યુરોપ અને લદાખથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ, ફ્લેમીંગો સહિતના વિદેશી નયનરમ્ય પક્ષીઓના ઝુંડ શિયાળો ગાળવા આવે છે. જેમાં સુરખાબ પક્ષીઓ તો રણમાં લાઇનબદ્ધ માળા વસાહત બનાવી સંવનન બાદ બચ્ચાઓને જન્મ આપી ઉનાળાની શરૂઆત થતા પોતાના માદરે વતન પરત ફરે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ માળિયા શાખા કેનાલનું ઓવર ફ્લો થયેલું પાણી બજાણા વોકળામાં થઇને રણમાં દેગામ, સોની અને સવલાસ મંડળી વિસ્તારમાં થઇને રણમાં છેક 40થી 50 કિમી સુધી પહોંચતા રણનો આ વેરાન વિસ્તાર મીની સમુદ્રમાં ફેરવાઇ ગયો છે. ત્યારે હાલમાં ફરી વિદેશી નયનરમ્ય પક્ષીઓના ઝુંડ બજાણા રણના ટૂંડી તળાવ અને નર્મદાના ચિક્કાર પાણીમાં પડાવ નાખતા પહેલી વખત રણમાં સુંદર મનોરમ દૃશ્ય પૂરું પાડી રહ્યા છે. ત્યારે એક બાજુ નર્મદાના નીર અગરિયાઓ માટે આફત જ્યારે વિદેશી નયનરમ્ય પક્ષીઓના ઝુંડ માટે સ્વર્ગસમાન સ્થળ પૂરું પાડી રહ્યાં છે. કચ્છના નાના રણમાં શિયાળો જામતા હજારો કિમી દૂર સાયબેરિયાથી વિવિધ પ્રકારના કૂંજ, પેલિકન અને ફ્લેમિંગોએ પડાવ નાખ્યો છે. વેરાન રણ વિદેશી પક્ષીઓ માટે સ્વર્ગ બન્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં શિયાળો ગાળવા  વિદેશી પક્ષીઓના ઝુંડે રણમાં ધામા નાખતા પક્ષી પ્રેમીઓ ઝુમી ઊઠ્યા હતા. વેરાન રણમાં સામાન્ય રીતે કુલ 3 પ્રકારની ક્રેન જોવા મળે છે. સારસ ક્રેન, કોમન ક્રેન, ડેમોઝાઇલ ક્રેન. જેમાં સારસ ક્રેન એ લોકલ એટલે કે આખુ વર્ષ ભારતમાં જ રહે છે. જ્યારે કોમન ક્રેન અને ડેમોઝાઇલ ક્રેન સાયબિરિયા અને મોંગોલિયાથી માઈગ્રેશન કરે છે. ત્યાં શિયાળામાં ખૂબ જ ઠંડી અને બરફ જામી જવાથી શિયાળાની ઋતુમાં તે દેશના વિવિધ વિસ્તારોમાં આવે છે. માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ એવા વેરાન રણમાં કોમન ક્રેન અને ડેમોઝાઇલ ક્રેનનું સાયબિરિયાથી આગમન થયું છે. જ્યારે ડેમોઝાઇલ ક્રેન પેસેજ માઇગ્રેટીવ અહીં આવે છે, અને માર્ચ મહિનામાં  પરત જાય છે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  કચ્છના નાના રણમાં  કોમન ક્રેન સપ્ટેમ્બર મહિનાથી માર્ચ મહિના સુધી રોકાય છે. આ બંને ક્રેન સાયબિરિયાથી આવે છે. વેરાન રણમાં વિવિધ પ્રકારના ક્રેન સહિત પેલિકન પક્ષીઓનું પણ આગમન થયું છે. જે વિદેશથી રણમાં ઊડીને આવતું સૌથી વજનદાર પક્ષી ગણાય છે. એનું વજન 15થી 17 કિલો જેટલું હોય છે. એની ચાંચ દોઢ ફૂટ લાંબી હોય છે. જ્યારે ફ્લેમિંગો એ પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યાં છે. ફ્લેમિંગોએ દર વર્ષે કચ્છના રણમાં મોટા પ્રમાણમાં નેસ્ટિંગ કરીને બચ્ચાને જન્મ આપે છે. આશરે 4953.71 ચો.કી.મી. વિસ્તારમાં પથરાયેલા કચ્છના રણમાં છેલ્લી ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 6082 જેટલી હોવાનું જાણવા મળે છે. અહી રણલોંકડી, કાળીયાર, નિલગાય, ઝરખ સહિતના 33 જાતના વન્ય પ્રાણીઓ પણ જોવા મળી જાય છે. ફલેમીંગો મિસ્ટલીન, ક્રેન, ગાજહંસ, ઈગલ સહીત 152 જેટલી વિવિધ પ્રજાતિના પક્ષીઓ પણ આ વિસ્તારમાં જોવા મળે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા ઘૂડખર, રણ લોંકડી સહિતના સસ્તન પ્રાણીયો અને વિદેશી નયનરમ્ય પક્ષીઓના ઝુંડ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. હાલમાં વેરાન રણમાં હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ પડાવ નાખતા સ્થાનિક પ્રવાસીઓ અને વિદેશી પર્યટકોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે તેમ એસ.એસ.સારલા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, બજાણાએ જણાવેલ હતું.