Site icon Revoi.in

અંબાજીમાં 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પુનમના મેળા અંગે બેઠક યોજાઈ

Social Share

પાલનપુરઃ રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપાઠ ગણાતા અંબાજીમાં દર વર્ષે ભાદરવી પુનમનો પાંચ દિવસનો મેળો યોજાતો હોય છે. ભાદરવી પૂનમે માતાજીના દર્શનનું અનેરૂ મહાત્મ્ય છે. અને લાખોની સંખ્યામાં પદયાત્રિકો પણ પણ દર્શન માટે આવે છે. ભાદરવી પૂનમના મેળામાં 5 લાખથી વધુ ભાવિકો આવતા હોય છે. પણ આ વર્ષે વધુ ભાવિકો આવવાની શક્યતા છે. ત્યારે વહિવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ માટે આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના માટે  પ્રવાસન સચિવ હારિત શુક્લાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં મીટીંગ મળી હતી.

વિશ્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાં અંબાના દર્શનાર્થે પધારે છે. આ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે ગુજરાત સરકાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સુચારૂ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે આગામી તા.23થી 29 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળો યોજાશે. જેમાં આગોતરા આયોજન માટે પ્રવાસન સચિવ હારિત શુક્લાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી મીટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી.

હારિત શુક્લાએ જણાવ્યું હતું કે, દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં આવતા ભાવિક ભક્તો માટે ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે પણ આ સુવિધાઓમાં વધારો કરીને યાત્રાઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય એવા પ્રયાસો કરાશે. દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે અને એ જ રીતે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે. શ્રધ્ધાળુઓ માટે બસ વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, પાર્કિંગ, કાયદો- વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, અંબાજી નગરમાં લાઇટિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા, સુરક્ષા- સલામતી, પ્રચાર – પ્રસાર સહિતની બાબતોની ચર્ચા કરીને જરૂરી સુચના આપવામાં આવી હતી.

તેમણે ઉમેર્યું હતું કે, આ વર્ષે આગામી તારીખ 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત ભાદરવી પૂનમ મેળામાં આવનારા દરેક શ્રદ્ધાળુને વિશિષ્ટ અનુભવ થાય એ માટે એડવાન્સ પ્લાનિંગના ભાગરૂપે મિટિંગનું આયોજન કરી તૈયારીઓની શરૂઆત કરવામાં આવી છે. આ મિટિંગમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડના સી.ઇ.ઓ. રાજકુમાર બેનીવાલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર.રાવલ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર વરૂણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નાયબ વન સંરક્ષક અભયકુમાર સિંઘ, મંદિર ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્મા, સેપ્ટના પ્રોજેક્ટ ડિરેક્ટર રેશમા શાહ તેમજ વિવિધ વિભાગના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version