Site icon Revoi.in

ભારત-અમેરિકાના સબંધોનું નવું ચેપ્ટર:વાંચો મહત્વની જાણકારી

Social Share

દિલ્હી : ચીન અત્યારે પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું જેના કારણે દુનિયાના અનેક દેશો પરેશાન છે.આવામાં ચીનને પાઠ ભણાવવા માટે ભારત અને અમેરિકા એકબીજાની વધારે નજીક આવી રહ્યા છે. અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન ભારત પહોંચ્યા છે.માનવામાં આવે છે કે ભારત અને અમેરિકા વચ્ચે મહત્વના મુદ્દાઓ પર ભાગીદારી,ચર્ચા,વ્યુહાત્મક રચના અને નિર્ણયો લેવામાં આવી શકે છે.

અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન આજે સિંગાપુરથી બે દિવસીય પ્રવાસ પર દિલ્હી આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીના અમેરિકી પ્રવાસ પહેલા અમેરિકી રક્ષા મંત્રીની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સોમવારે તેઓ રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે પરસ્પર સંરક્ષણ સહયોગ સાથે વ્યૂહાત્મક ભાગીદારી વધારવા પર પણ ચર્ચા કરશે. મળતી માહિતી અનુસાર, બંને રક્ષા મંત્રીઓ વચ્ચે ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ, હિંદ અને પ્રશાંત મહાસાગરમાં ચીનના આક્રમક વલણ તેમજ આતંકવાદ સામે લડવાના ઉપાયો પર વાતચીત થશે.

આ સાથે જ આ જાણીને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકન કંપની જનરલ ઇલેક્ટ્રિક ભારતમાં જેટ એન્જિન ફેક્ટરી ખોલવા માટે રાજી થઈ શકે છે કારણ કે તેજસમાં આ કંપનીના એન્જિનનો ઉપયોગ થાય છે. આ બાબત પર અંતિમ મહોર વડાપ્રધાનના અમેરિકન પ્રવાસ પર લાગી શકે છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી ઓસ્ટિનની ભારતની આ બીજી મુલાકાત છે, આ પહેલા તેઓ માર્ચ 2021માં ભારત આવ્યા હતા. ઓસ્ટિનની મુલાકાતથી વાકેફ લોકોએ જણાવ્યું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અમેરિકી રક્ષા મંત્રી ઓસ્ટિન અનેક નવા સંરક્ષણ સહયોગ પ્રોજેક્ટ પર ચર્ચા કરવા કરવાના છે.

લગભગ બે અઠવાડિયા પછી યુએસ પ્રમુખ જો બાઈડેન સાથે મોદીની વાતચીત પછી આ પ્રોજેક્ટ્સની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જનરલ ઈલેક્ટ્રિક દ્વારા ફાઈટર જેટ એન્જિન માટે ભારત સાથે ટેક્નોલોજી શેર કરવાની દરખાસ્ત અને યુએસ ડિફેન્સ ઈક્વિપમેન્ટ કંપની જનરલ એટોમિક્સ એરોનોટિકલ સિસ્ટમ્સ ઈન્ક પાસેથી ત્રણ અબજ ડોલરના ખર્ચે 30 MQ-9B સશસ્ત્ર ડ્રોન ખરીદવાની ભારતની યોજના પર સોમવારે સિંહ-ઓસ્ટિન વચ્ચે ચર્ચા થવાની સંભાવના છે.

ભારત તેના ફાઇટર એરક્રાફ્ટ માટે ટેક્નોલોજી ટ્રાન્સફર માટેના ‘ફ્રેમવર્ક’ હેઠળ ભારતમાં ફાઇટર એરક્રાફ્ટ એન્જિનના ઉત્પાદનની શક્યતાઓ શોધી રહ્યું છે. વાટાઘાટોમાં, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના આક્રમક વર્તન અને આતંકવાદના ખતરાનો સામનો કરવાની રીતો પણ આંકવામાં આવે તેવી શક્યતા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ, પેન્ટાગોને આ અઠવાડિયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓસ્ટિન યુએસ-ભારત “મહાન સંરક્ષણ ભાગીદારી” ને વધુ ગાઢ બનાવશે કારણ કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થશે.