Site icon Revoi.in

શ્રી બહુચરાજી માતાજીના નવા ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે: ઋષિકેશ પટેલ

Social Share

અમદાવાદઃ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, શ્રદ્ધાળુઓની લાગણી ધ્યાને રાખીને શ્રી બહુચર માતાજીના ભવ્ય નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના ધર્મપ્રેમી ભક્તોને દર્શન માટેની સગવડો ધ્યાને લઈ સોમનાથ, દ્વારકા, પાવાગઢના મંદિરના વિકાસની જેમ જ બહુચરાજી મંદિરનું નિર્માણ કરાશે. 

મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના દિશાનિર્દેશ હેઠળ રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માઈભક્તોની આસ્થાને ધ્યાને રાખીને બંસીપહાડપુર પથ્થરમાંથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. મંદિરના હયાત જમીનના ડેટાની માહિતી મેળવવા તથા ડિઝાઇન તૈયાર કરાવવા માટે કન્સલ્ટન્ટ દ્વારા જરૂરી જમીનની વજન સહન કરવાની ક્ષમતા(SBC) અંગેના  ટેસ્ટીંગ રીપોર્ટના આધારે  પાયામાંથી શિખર સુધી 86 ફૂટની ઊંચાઈ રાખવાનો નિર્ણય લેવાયો છે. મંદિર પરિસરના સર્વગ્રાહી વિકાસની કામગીરી હાથ ધરવા માટે રાજ્ય સરકાર દ્વારા 70  કરોડથી વધુનો ખર્ચ કરવાનું આયોજન છે. 

આ મંદિર હયાત સ્થળની પરિસ્થિતીને ધ્યાને રાખી વરખડીવાળા સ્થાનને યથા યોગ્ય રાખી તથા વલ્લભભટ્ટનાં મંદિરમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા સિવાય બંસીપહાડપુર સ્ટોનમાં મંદિર નિર્માણ પામશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલનું બહુચરાજી મંદિર 18મી સદીના અંતમાં માનાજીરાવ ગાયકવાડના શાસન દરમિયાન બાંધવામાં આવ્યું હતું અને રેતીના પથ્થરનો ઉપયોગ કરીને તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું .