Site icon Revoi.in

ગુજરાતમાં હવામાનમાં આંશિક પલટાને લીધે ઠંડી પર બ્રેક લાગી, 5 દિવસ વાતાવરણ યથાવત રહેશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાના પ્રારંભથી સમયાંતરે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેમાં માવઠા બાદ ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો હતો. ત્યારે જ વાતાવરણમાં ફરી આંશિક પલટા આવતા ઠંડી પર બ્રેક લાગી ગઈ છે. એટલે કે આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીવત છે.

રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતભરમાં શિયાળાની ઋતુ જામી છે, ત્યારે જ વાતાવરણમાં પલટો આવતા  ઠંડીનું જોર ઘટે એવી શક્યતા છે. પવનની દિશા બદલાતા  તાપમાનમાં વધારો થઈ શકે છે. આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની સંભાવના નથી. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગામી બે દિવસ તાપમાન યથાવત્ રહેશે. ત્યાર બાદ તાપમાનમાં વધારો થાય એવી શક્યતા છે. સામાન્ય રીતે દિવસ દરમિયાનના તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો નોંધાઈ શકે છે. આ ઉપરાંત રાત્રિ દરમિયાન લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો વધારો થતાં ઠંડીનું જોર ઘટે એવી સંભાવના છે. હાલમાં અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે. આગામી 48 કલાક બાદ એ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધતાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા છે.

હવામાન વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, પવનની દિશા બદલાવાને કારણે ઠંડીનું જોર ઘટી રહ્યુ છે. ઉત્તર પૂર્વીય પવનને કારણે રાજ્યમાં ઠંડીનું જોર હતું, જે પવનની દિશા બદલીને હાલ પૂર્વ તરફ ફંટાતા તાપમાનમાં વધારો નોંધાશે. આ ઉપરાંત હાઈ લેવલનાં વાદળોમાં ભેજનું પ્રમાણ વધતાં તાપમાનમાં વધારો થઈ શકે છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું હતું, જે 10 ડિગ્રી હતું. આ ઉપરાંત અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયો હતો. આ ઉપરાંત ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે આગામી બે દિવસ બાદ વધીને 16થી 17 ડિગ્રી થઈ શકે છે. (file photo)