Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ટેક્સ વિભાગના 2.26 કરોડના કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાશે

Social Share

અમદાવાદઃ  મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં માર્ચ મહિનામાં 281 લોકોએ ટેક્સ ભર્યો હોવા છતાં રૂ. 2.26 કરોડ મ્યુનિના ટેક્સ ખાતામાં જમા થયા નહોતા. આ કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરવા રેવન્યુ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. ટેક્સ વિભાગ અથવા ઇ ગર્વનન્સ વિભાગના અધિકારી ફરિયાદી બની પોલીસ ફરિયાદ નોંધાવશે. આ ઉપરાંત વિજિલન્સ તપાસ ઝડપથી કરવા માટે જણાવવામાં આવ્યું છે. જો 15 દિવસમાં વિજિલન્સ કે પોલીસ ફરિયાદ નહીં થાય તો રેવન્યુ કમિટી ચેરમેન ફરી પત્ર લખી કાર્યવાહીની માગ કરશે.

રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, શુક્રવારે મળેલી રેવન્યુ કમિટીમાં માર્ચ મહિનામાં 281 લોકોના રૂ. 2.26 કરોડ કોર્પોરેશનના ખાતામાં જમા થયા ન હોવાના કૌભાંડ મામલે અધિકારીઓને પોલીસ ફરિયાદ કરવા માટે સૂચના આપી છે. આ કૌભાંડમાં સંડોવાયેલાને છોડવામાં આવશે નહીં. જો 15 દિવસમાં વિજિલન્સ કે પોલીસ ફરિયાદ નહીં થાય તો ફરી પત્ર લખી કાર્યવાહીની માગ કરશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા 22 એપ્રિલથી તબક્કાવાર એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે. જેને નાગરિકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં અંદાજિત 2.36 લાખ લોકોએ લાભ લીધો છે. 1 એપ્રિલ 2022થી 13 મે સુધીમાં રૂ. 243 કરોડની આવક થઈ છે. જેમાં 56 ટકા લોકોએ ઓનલાઈન પેમેન્ટ કર્યું છે. જેથી કહી શકાય કે એડવાન્સ ટેક્સ રિબેટ યોજનામાં 50 ટકા લોકો હવે ઓનલાઇન માધ્યમથી પેમેન્ટ કરતા થયા છે. રૂ. 243 કરોડની આવકમાં સૌથી વધુ ટેક્સ પશ્ચિમ ઝોનમાં રૂ. 68 કરોડનો ભરાયો છે.
તેમણે ઉમેર્યુ હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં પ્રોપર્ટી ટેક્સની બાકી રકમની વસૂલાત માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત અત્યાર સુધીમાં 22934 જેટલી મિલકતોને સીલ મારવામાં આવી છે. 2212 જેટલી મિલકતોમાં અડધી રકમ ભરી છે અથવા રકમ ભર્યા વગર સીલ નથી કરવામાં આવી. આ મિલકતોને નોટીસ આપી અને 15 દિવસમાં ટેક્સ નહીં ભરે તો તેમની સામે સિલિંગની કાર્યવાહી કરવામાં આવશે. 13624 જેટલી મિલકતોમાં પૂરા પૈસા નાગરિકોએ ભરી દેતાં તેમની મિલકતોના સીલ ખોલી દેવામાં આવ્યા છે.