Site icon Revoi.in

ભાવનગરમાં સવા લાખ લોકોએ 10 વર્ષથી મિલકત વેરો ભર્યો નથી, 330 કરોડની ઉઘરાણી બાકી

Social Share

ભાવનગરઃ શહેરની વસતી અને એનો વ્યાપમાં વધારો થયો હોવા છતાં બાકી મિલ્કતવેરાને કારણે મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં ખાસ વધારો થયો નથી.  મ્યુનિ. કોર્પોરેશન એકમાત્ર ઘરવેરાના આવકના સ્ત્રોત પર ટકી રહ્યું છે ત્યારે બાકી મિલકત વેરા ની રિકવરી પણ એટલી જ આવશ્યક બની રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી વાર્ષિક ડિમાન્ડ સામે 70 ટકા આસપાસ રિકવરી થાય છે પરંતુ વર્ષ 2013 થી આજ સુધી 1,26,000 જેટલા કરદાતાનો 330 કરોડ જેટલો વેરો બાકી છે. જેની સામે અંદાજે 85 કરોડ જેટલુ તો વ્યાજ છે. તેથી જો કોર્પોરેશન દ્વારા વ્યાજ માફી સ્કીમ લાવે તો  મ્યુનિ. કોર્પોરેશનને પણ કરોડોની આવક થઈ શકે તેમ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર મ્યુનિ. કોર્પોરેશનના ઘરવેરા વિભાગ દ્વારા છેલ્લા વર્ષથી રિકવરીમાં સારી એવી કામગીરી છે. વાર્ષિક ડિમાન્ડ સામે રિકવરી પણ આવકારદાયક છે. જેમાં રિબેટ યોજનાને કારણે પણ મ્યુનિ. કોર્પોરેશનને રિકવરીમાં રાહત મળે છે. પરંતુ ભૂતકાળના એટલે કે વર્ષ 2013 થી ચાલી આવતી રિકવરી હાલમાં કરોડો રૂપિયામાં થઈ ગઈ છે. ચાલુ વર્ષમાં તો ઘરવેરા રિકવરી મહત્તમ થઈ જાય છે પરંતુ જૂની બાકી ખેંચાતી આવે છે તેનો આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. જે માટે સત્તા પક્ષે પણ વિચારવાની જરૂરિયાત છે. અમદાવાદ, જામનગર, જુનાગઢ સહિતમાં મ્યુનિ.  કોર્પોરેશન દ્વારા ભૂતકાળમાં પણ વ્યાજ માફી આપવામાં આવી હતી પરંતુ ભાવનગર મ્યુનિ.ના સત્તાધિશોને રિબેટ આપીને વધુ ટેક્સ ક્લેકશન થાય એમાં કોઈ રસ નથી. વર્ષ 2013 થી એક લાખ જેટલા રહેણાકી મિલકતોનો 160 કરોડ જેટલો વેરો બાકી છે. તેમાં પણ અડધો અડધ એટલે કે 50,000 જેટલા કરદાતાનો તો માત્ર રૂ.10000 કરતાં ઓછી રકમનો જ વેરો ભરપાઈ કરવાનો બાકી છે. જે 50,000 કરદાતા સામાન્ય અને ગરીબ ઉપરાંત કોરોના કાળ બાદના બાકીદારો છે. તેઓનો 21 કરોડ જેટલો વેરો ભરવાનો બાકી છે. અને તેમાં પણ પાંચેક કરોડ જેટલું વ્યાજ ચડત હશે. આવી પરિસ્થિતિમાં મ્યુનિ. કોર્પોરેશનને આવક વધારી જુના ગોટાળાનો ઉકેલ કરવો હોય તો વ્યાજ માફી યોજના અમલમાં મૂકવી આવશ્યક  છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હાલમાં માસ જપ્તી ઝુંબેશ ચાલી રહી છે. પરંતુ વર્ષ 2015 – 16માં વેરા વસુલાત માટે તત્કાલીન કમિશનર જયપ્રકાશ શિવહરેએ મિલકત વેરાની વસુલાત માટે તમામ વિભાગના કર્મચારીઓને વ્યક્તિગત રીતે જવાબદારી સોંપવામાં આવી હતી. અને ટાર્ગેટ પણ અપાયો હતો. 1લી માર્ચથી વ્યાજ માફી યોજના સાથે દરેક કર્મચારીઓને વેરાની જવાબદારી સોપવામાં આવે,  તો  મ્યુનિ. કોર્પોરેશનને ઓછા સમયમાં આવક વધી શકે છે. રહેણાકી મિલકતો કે જે ગરીબ અને મધ્યમ વર્ગના કરદાતા છે અને તેમનો મિલકત વેરો પણ નજીવો જ બાકી છે તેમાં વ્યાજ માફી આપવામાં આવે તો કરદાતાઓ પણ વેરો ભરપાઈ કરી નિયમિત બની શકે.