Site icon Revoi.in

અમદાવાદના નિર્ણયનગરમાં સ્વામિનારાયણ સ્કુલ બંધ કરવા સામે રેલી યોજાઈ, DEOને રજુઆત

Social Share

અમદાવાદઃ શહેરના  નિર્ણયનગર વિસ્તારની સ્વામિનારાયણ સ્કૂલ બંધ થતા વાલીઓમાં આક્રોશ ફેલાયો છે. રોષે ભરાયેલા 150 વાલીએ નિર્ણયનગરથી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (DEO) સુધી રેલી યોજી હતી. સ્વામિનારાયણ સ્કૂલ બંધ થતા RTE હેઠળ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓના વાલીઓની ચિંતા વધી ગઈ છે. અહીં અભ્યાસ કરતા 70થી 80 વિદ્યાર્થીના વાલીઓએ બે-ત્રણ કિલોમીટરની નજીકની કોઈ શાળામાં પ્રવેશ આપવાની માગણી કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નિર્ણયનગર વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલ બંધ કરવાનો ટ્રસ્ટી મંડળે નિર્ણય લીધો છે. જેના કારણે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો અને તેના વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ મુદ્દે 25 દિવસ પહેલા જ વાલીઓએ DEOમાં રજૂઆત કરી હતી. આમ છતાં DEO દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા વાલીઓએ રેલી યોજીને ઝડપથી બાળકોને પ્રવેશ ફાળવવા માગણી કરી છે. કેટલાક વાલીઓએ રજૂઆત બાદ યોગ્ય નિર્ણય ન આવે તો CM કે શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના  નિર્ણયનગર વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ વિદ્યા સંકુલના સંચાલકોએ શાળા બંધ કરવાનો નિર્ણય લેતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. શાળાનું સ્ટ્રક્ચર ભયજનક બનતા સંચાલકોએ વાલીઓને પોતાના બાળકોને અન્ય જગ્યા પર એડમિશન લેવા જણાવતા આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનારા બાળકોના વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો.  વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમને કોઈપણ પ્રકારની સૂચના આપ્યા વગર જ  જણાવી દેવાયું  હતું કે તેમના બાળકોને અન્ય શાળામાં એડમિશન લેવડાવી લો. જો તેઓ શાળા બંધ કરતાં હોય તો અમારા બાળકોને અન્ય સારી શાળામાં પ્રવેશ અપાવી દે. સંચાલકો દ્વારા ચાલુ વર્ષે ધોરણ 9 અને 11 ના વર્ગો બંધ કરવામાં આવ્યા છે. તબક્કાવાર આગામી સત્ર થી અન્ય ધોરણના વર્ગો પણ બંધ કરવાનું આયોજન કરાયું છે. સંચાલકોનો દાવો છે કે ગત વર્ષે જ તેમને વાલીઓને સૂચના આપી હતી કે શાળાનું બાંધકામ હવે યોગ્ય રહ્યું ના હોવાને કારણે શૈક્ષણિક કાર્ય કરવું શક્ય નથી. એના જ કારણે તેઓ શાળા બંધ કરવા જઈ રહ્યા છે.