Site icon Revoi.in

વાવાઝોડાના સંકટ વચ્ચે જાફરાબાદના બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું

Social Share

અમદાવાદઃ રાજ્યભરમાં દરિયામાં ‘બિપરજોય’ની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે, ત્યારે બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. જેને લઈ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સલાહ આપવામાં આવી છે. જેના પરિણામે અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદના દરિયા કાંઠે તમામ માછીમારો વતનમાં પરત આવી પહોંચ્યા અને દરિયા કાંઠે બોટને લંગારી દીધી છે.

ચોમાસુ શરૂ થતું હોવાને કારણે માછીમારીની સિઝન પૂર્ણ થતી હોય છે, પરંતુ ચોમાસાને હજું થોડા દિવસની વાર છે. તે પહેલા જ આગમચેતીના ભાગરૂપે દરિયામાં કોઈ તોફાની સ્થિતિ સર્જાઈ તે પહેલાં માછીમારો પોતાની બોટ સાથે માછીમારી કરી પરત જાફરાબાદ પહોંચી ગયા છે. માછીમાર પરિવારોએ પણ રાહત અનુભવી છે. તમામ બોટ મજબૂત રીતે દરિયા કાંઠે બાંધી રહ્યા છે. જેથી પવન વરસાદ સાથે આવે તો કોઈ નુકસાન ન થાય તે માટેની તકેદારી રાખવામાં આવી રહી છે.

જાફરાબાદ શિયાળ બેટ, ધારબંદર સહિત વિસ્તારમાં સૌથી વધારે માછીમારો વસવાટ કરી રહ્યા છે અને દરિયામાં માછીમારી કરવાના ધંધા સાથે સંકળાયેલા હોવાને કારણે ચોમાસા પહેલા તમામ લોકો મોટાભાગે મધ દરિયામાં જ પોતાની રોજી રોટી માટે માછીમારી વર્ષોથી કરી રહ્યા છે. અનેક વખત વાવાજોડા અને આગાહીના કારણે તેમને મોટું નુકસાન ભોગવવાનો વારો પણ આવે છે.

જાફરાબાદ બોટ કોલીસમાજ એસોસિએશન પ્રમુખ હમીર ભાઈ સૉલકી એ જણાવ્યું હતું કે, હવામાન વિભાગની વરસાદ અને દરિયામાં તોફાની મોજા આવશે તેવી આગાહી આપવામાં આવી હતી. જેથી અમે તમામ માછીમારોનો સંપર્ક કરી બોલાવી લીધા છે, જેને પગલે કોઈ નુકસાન ન થાય. તાઉતે વાવાજોડા સમયે પણ બધા માછીમારો સમયસર આવી ગયા હતા, તેના કારણે બધાના જીવ બચી ગયા હતા.

જે તે વિસ્તારમાં 62-88 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય, અને ત્યાંનાં લોકોને વાવાજોડા સામે તૈયાર કરવા માટે ઓછામાં ઓછા 24 કલાક બાકી હોય છે. ત્યારે નંબર 2 સિગ્નલ આપવામાં આવે છે.