Site icon Revoi.in

નડિયાદમાં નવા મકાનનો સ્લેબ તૂટી પડ્યો, દટાયેલા ત્રણ શ્રમિકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા

Social Share

નડિયાદઃ શહેરના સ્પોર્ટસ કોમ્પલેક્સ નજીક આવેલી એક સોસાયટીમાં નિર્માણાધીન મકાનનો સ્લેબ એકાએક ધરાશાયી થતા ત્રણ શ્રમિકો દબાયા હતા. આ ઘટનાને પગલે આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા નડિયાદ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળ સ્થળ પર પહોંચી હતી. અને ત્વરિત કામગીરી કરીને ત્રણેય શ્રમિકોને સ્લેબના કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા.

નડિયાદ શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક મરીડા રોડ પર આવેલા સુલતાન પાર્કમાં નવ નિર્મિત મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી.  તેમજ સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા. અને સ્લેબના કાટમાળમાં દટાયેલા ત્રણ શ્રમિકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે, ધડાકો સંભળાતા સ્થાનિક લોકો દોડી ગયા હતા. દટાયેલાં શ્રમિકાને  બહાર કાઢ્યા હતા. કાટમાળમાં દટાયેલા ત્રમ શ્રમિકોમાં એક મહિલા અને બે પુરુષ હતા.

નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસરએ જણાવ્યું હતું કે, સ્પોર્ટ કોમ્પ્લેક્સ નજીક નિર્માણધિન મકાનમાં બપોરના સમયે આ દૂર્ઘટના સર્જાઈ હતી. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામને સારવાર અર્થે તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ કોઈ આ મકાનના કાટમાળની અંદર ફસાયેલુ નથી. આસપાસના લોકોએ દોડી આવીને મકાનના કાટમાળ નીચે દટાયેલા મજૂરોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.  ફાયરબ્રિગેડે પણ કટરથી સ્લેબના સળિયા કાપી અન્ય મજૂરો દટાયા છે કે કેમ તેની તપાસ કરી હતી. પરંતુ કોઈ મજૂરો મળી આવ્યા નહોતા.