Site icon Revoi.in

ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેઈનર્સનો રાજ્યકક્ષાનો તાલીમ કાર્યક્રમ યોજાયો

Social Share

ગાંધીનગરઃ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેઈનર્સનો રાજ્યકક્ષાનો બે દિવસીય વર્કશૉપ યોજાયો હતો. આ વર્કશૉપમાં EVM-VVPAT , મતદાન મથકો, પોલીંગ સ્ટાફ, આદર્શ આચારસંહિતા, પોસ્ટલ બેલેટ અને ખર્ચ નિરિક્ષણ સહિતની બાબતો અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી.

ચૂંટણીઓના સરળ અને સુગમ સંચાલન માટે ચૂંટણી વ્યવસ્થા સાથે સંલગ્ન તાલીમબદ્ધ અધિકારીઓ અને કર્મચારીઓ પાયાનું અંગ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ માટે ઘડવામાં આવેલા નિયમો અને તેને અનુરૂપ અદ્યતન સૂચનાઓથી ચૂંટણી પ્રક્રિયા સાથે સંલગ્ન કર્મચારી/અધિકારીગણ સુપરિચિત થાય તે જરૂરી છે. જેને અનુલક્ષીને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેઈનર્સ માટે બે તબક્કામાં બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો.

ગત તા. 17 અને 18 જાન્યુઆરી,2024ના રોજ 18 જિલ્લાના 36 અધિકારીઓ તથા તા. 19 અને 20 જાન્યુઆરી, 2024ના રોજ 16 જિલ્લાના 36 અધિકારીઓ એમ કુલ બે બેચ મળી રાજ્યભરના તમામ જિલ્લાકક્ષાના માસ્ટર ટ્રેઈનર્સને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ વર્કશૉપમાં EVM-VVPATના સંગ્રહ, પરિવહન અને જાળવણી, મતદાન મથકને લગતી બાબતો, મતદાનના દિવસની વ્યવસ્થાઓ, પોલીંગ સ્ટાફ, પોસ્ટ બેલેટ, આઈ.ટી. ઍપ્લિકેશન્સ, ખર્ચ નિરિક્ષણ અને આદર્શ આચારસંહિતા સહિતના વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ વર્કશૉપમાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી સમક્ષ બૂથ લેવલ ઑફિસર, પ્રિસાઈડિંગ ઑફિસર, સેક્ટર ઑફિસર તથા માઈક્રો ઑબ્ઝર્વર્સે બજાવવાની ફરજો અને તકેદારીઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી  એ.બી. પટેલ દ્વારા જિલ્લાકક્ષાના માસ્ટર ટ્રેઈનર્સને ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.