Site icon Revoi.in

અમદાવાદના નારોલ-નરોડા હાઈવે પર બેકાબુ બનેલી ટ્રક ખારીકટ કેનાલમાં ખાબકી

Social Share

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. વધુ એક અકસ્માત નારોલ-નરોડા હાઈવે પર સર્જાયો હતો. બેકાબુ બનેલી ટ્રક  રેલિંગ તોડીને ખરાકટ કેનાલમાં ખાબકી હતી. અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નહોતી. અકસ્માતને પગલે આજુબાજુના રહિશો દોડી આવ્યા હતા. પોલીસે ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નારોલ- નરોડા હાઇવે પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. બેફામ સ્પીડે જતા ટ્રકચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ કેનાલમાં ખાબકી હતી. કાસ્ટિંગ ભરેલી ટ્રક એટલી સ્પીડમાં જઈ રહી હતી કે, કેનાલની આસપાસની દીવાલ અને રેલિંગ તોડીને કેનાલની અંદર પડી હતી. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હેવી ક્રેનની મદદ લઈને ટ્રકને બહાર નીકળવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અકસ્માતને પગલે ટ્રાફિકને પણ થોડી અસર થઈ હતી.

પોલીસ સૂત્રોએ ઉમેર્યુ હતુ. કે, અકસ્માતના કારણે ખારીકટ કેનાલને થયેલા નુકશાન અને લોખંડની રેલિંગ સહિત RCCની દિવાલોના નુકશાન સાથેનો તમામ ખર્ચ જવાબદાર ટ્રકના માલિકની કંપની પાસેથી વસુલવા અને તાકીદે નેશનલ હાઈવે પરના આ માર્ગ પરની મરામત કરાવી લેવા સુચનાઓ આપી હતી. હેવી ક્રેન મંગાવીને કેનાલમાં ખાબકેલા ટ્રકને બહાર કાઢવાની તજવીજ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે પણ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.

સ્થાનિક રહિશોના કહેવા મુજબ શનિવારે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ નારોલથી નરોડા તરફ જતા નેશનલ હાઈવે પર જશોદાનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેના ગોરના કૂવા તરફ જતી ખારીકટ કેનાલમાં બેકાબુ કાસ્ટિંગ ભરેલી ટ્રક ખાબકી હતી. અકસ્માતમાં ટ્રકચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ પોલીસ અને સ્થાનિક લોકોને થતા તાત્કાલિક તેઓ દોડી આવ્યા હતા.