Site icon Revoi.in

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ, ભાજપે છેલ્લી ઘડીએ દિગજ્જોને મેદાનમાં ઉતાર્યા

Social Share

ગાંધીનગરઃ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને હવે બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી જીતવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યુ છે. આ વખતે ભાજપને કોંગ્રેસ સાથે આમ આદની પાર્ટી જોડે પણ સીધી ટક્કર લેવાની છે. જેથી ભાજપે મંત્રીઓથી માંડી દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે શહેરના 11 વોર્ડની 44 બેઠકો પૈકી વોર્ડ નંબર-3ની આખી પેનલને જીતાડવા માટે ભાજપ દ્વારા એડીચોંટીનું જોર લગાવી મંત્રી સહિત દિગ્ગજ નેતાઓની ફોજને ઉતારી કોંગ્રેસના ઉમેદવાર અંકિત બારોટને હરાવવા માટે વિશેષ ધ્યાન કેંદ્રિત કરવામાં આવી રહ્યું છે. જેનું મુખ્ય કારણ અંકિત બારોટે આ વિસ્તારમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે. અને ભૂતકાળમાં તેમને ભાજપનો ખેસ પહેરાવવા મથામણ થયેલી અને છેલ્લે ભાજપમાં ભડકો થતા ભાજપને હથિયાર હેઠા મૂકવા પડ્યા હતા.

પાટનગર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની છે. ત્યારે ભાજપે છેલ્લી ઘડીએ ચૂંટણી જીતવા એડીચોટીનું જાર લગાવ્યું છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. મતદારોને પોતાની તરફેણમાં કરવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર અભિયાન તેજ કરવામાં આવ્યું છે. એમાંય 11 વોર્ડની 44 બેઠકો પર સ્પષ્ટ બહુમતી મેળવવા માટે ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જેનાં માટે નવા મંત્રી મંડળના મંત્રીઓને વિશેષ જવાબદારી સોંપી દેવામાં આવી છે. વોર્ડ નંબર-3 ભાજપ માટે પ્રતિષ્ઠા માટેનો જંગ બની ગયો હોય તેમ આ વોર્ડમાં વિશેષ ધ્યાન કેંદ્રિત કરવામાં આવી રહ્યું છે. દરેક વર્ગના લોકોનો ભાજપ દ્વારા સંપર્ક કરી મત માંગવામાં આવી રહ્યા છે. વોર્ડ-3માં ભાજપ તરફે સોનાલીબેન ઉરેન પટેલ, દીપિકાબેન રાઘવજી સોલંકી, ભરતભાઈ ગોહિલ તેમજ સંજીવ મહેતાને ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસ દ્વારા જનકબા વિહોલ, ઉર્મિલાબેન મહેતા, મેહુલ ગામીત અને અંકિત અશ્વિનભાઈ બારોટને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર-3માં સેકટર-24, સેકટર-27 અને સેકટર-28નો સમાવેશ થાય છે. જેમાં કોંગ્રેસનાં ઉમેદવાર અંકિત બારોટ સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને કોર્પોરેશનની દરેક બેઠકોમાં વિપક્ષની ભૂમિકામાં આકરા પાણીએ રહેતા હોય છે.