Site icon Revoi.in

ચોટિલાના ડુંગરની તળેટીમાં આજથી બે દિવસીય રાજ્યકક્ષાનો મહોત્સવ યોજાશે,

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં ચોટીલા ખાતે બે દિવસના રાજ્યકક્ષાના ચોટીલા ઉત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષનાં ચોટીલા ઉત્સવનો આજે તા.14 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. આ ઉત્સવ અંતર્ગત બે દિવસ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર સુરેન્દ્રનગર દ્વારા તા.14 તથા 15 ફેબ્રુઆરી-2024ના રોજ ચોટીલા ઉત્સવ 2024નુ આયોજન કરવામાં આવ્યું છે.  ચામુંડા માતાજી મંદિર, તળેટી પાર્કિંગ પ્લોટ, ચોટીલા ખાતે તા.14 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 કલાકે ચોટીલા ઉત્સવ-2024નો શુભારંભ થશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણ પટેલ, તેમજ ચોટીલા ધારાસભ્ય શામજી ચૌહાણ, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા વગેરે ઉપસ્થિત રહેશે.

આ ઉત્સવ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં આજે તા.14 ફેબ્રુઆરીના રોજ નૃત્યાવલી, અમદાવાદ દ્વારા આરતી, ડાકલા, શક્તિપરા માલધારી રાસમંડળ, સુરેન્દ્રનગર દ્વારા ગોફરાસ, નુપુર ડાન્સ એકેડેમી, માધાપર-કચ્છ દ્વારા માં નો ગરબો, શ્રી ઉમિયાજી મહિલા કોલેજ – ધ્રોલ દ્વારા પ્રાચીન ગરબો, શ્રી રાઠવા આદિવાસી લોક નૃત્ય મંડળ, કવાંટ દ્વારા હોળી નૃત્ય, સપ્તધ્વનિ સંગીત વર્ગ & કલાવૃંદ, સુરત દ્વારા ઝુમખું, હંસધ્વનિ ગૃપ, લીંબડી દ્વારા ભક્તિ સંગીત તેમજ પદ્મશ્રી ડૉ. જગદીશભાઈ ત્રિવેદી- સુરેન્દ્રનગર દ્વારા હાસ્યરસની પ્રસ્તુતિ કરવામાં આવશે. જ્યારે તા.15 ફેબ્રુઆરી-2024ના રોજ આંબાવાડી કલા ગ્રુપ (ઇન્ટરનેશનલ) જામખંભાળિયા દ્વારા બાવન બેડા આરતી મહાનૃત્ય, ગોવાળીયો રાસ મંડળ, જોરાવરનગર દ્વારા રાસ, શ્રી વૃંદ, રાજકોટ દ્વારા અર્વાચીન ગરબો, પાંચાળ રાસ મંડળ, થાનગઢ દ્વારા હુડો,  ચામુંડા મહેર રાસમંડળ, પોરબંદર દ્વારા ઢાલ તલવાર રાસ, સિદ્દી ગોમા ગૃપ ભરૂચ દ્વારા સિદ્દી ધમાલ, સોયા બ્રધર્સ જસદણ દ્વારા લોક સંગીત અને શ્રી બીરજુ બારોટ દ્વારા ભજન લોકડાયરો પ્રસ્તુત કરવામાં આવશે. આ ઉત્સવમાં વિવિધ જૂથો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં નાગરિકોને સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.