Site icon Revoi.in

ખારાઘોડાના રણમાં વિદેશી પક્ષીઓનો અનોખો નજારો, સુરખાબ પક્ષીઓના ઠેર ઠેર માળાંઓ

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં હાલ ધીમા પગલે ઠંડીનું જોર વધી રહ્યું છે. જિલ્લામાં આવેલા કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડાના રણ વિસ્તારમાં ભરાયેલા છીછરા પાણી છબછબીયા કરવા માટે વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. તાજેતરમાં નર્મદાની કેનાલનું પાણી દેગામ અને સોની મંડળી થઇ 40થી 50 કિમીથી પણ વધારે વિસ્તારમાં ફરી વળ્યું હતુ. ત્યારે રણમાં પથરાયેલા આ નીરમાં વિદેશી નયનરમ્ય પક્ષીઓનો અનોખો મેળાવડો જામ્યો છે. હાલમાં ખારાઘોડા રણમાં નર્મદાના નીર અગરિયા માટે આફત ને વિદેશી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન બન્યા છે.

ખરાઘોડાના અફાટ રણમાં ભરાયેલા છીછરા પાણીને લીધે વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. વિદેશી પક્ષીઓના આગમનને લીધે આ વિસ્તારનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે. માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ સમા એવા વેરાન રણમાં હજારો કિમી દૂર આવેલા સાઇબેરીયા, યુરોપ અને લદાખથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ, ફ્લેમીંગો સહિતના વિદેશી નયનરમ્ય પક્ષીઓના ઝુંડ શિયાળો ગાળવા આવે છે. જેમાં સુરખાબ પક્ષીઓ તો રણમાં લાઇનબદ્ધ માળા વસાહત બનાવી સંવનન બાદ બચ્ચાઓને જન્મ આપી ઉનાળાની શરૂઆત થતા પોતાના માદરે વતન પરત ફરતા હોય છે. હાલ સુરખાબ પક્ષીઓના માળાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે,તાજેતરમાં માળિયા શાખા નર્મદા કેનાલ ઓવર ફ્લો થતાં પાણી બજાણા વોકળામાં થઇને રણમાં દેગામ, સોની અને સવલાસ મંડળી વિસ્તારમાં થઇને રણમાં છેક 40થી 50 કિમી સુધી પહોંચતા રણનો આ વેરાન વિસ્તાર મીની સમુદ્રમાં ફેરવાઇ ગયો છે. ત્યારે હાલમાં ફરી વિદેશી નયનરમ્ય પક્ષીઓના ઝુંડ બજાણા રણના ટૂંડી તળાવના પાણીમાં પડાવ નાખતા પહેલી વખત રણમાં સુંદર મનોરમ દૃશ્ય પૂરું પાડી રહ્યા છે. ત્યારે એક બાજુ નર્મદાના નીર  અગરિયાઓ માટે આફત જ્યારે વિદેશી નયનરમ્ય પક્ષીઓના ઝુંડ માટે સ્વર્ગસમાન સ્થળ પૂરું પાડી રહ્યાં છે.