Site icon Revoi.in

કરજણમાં સ્વામી વિવેકાનંદ તળાવમાં કપડા ધોવા ગયેલી મહિલાને મગરે ફાડી ખાધી

Social Share

વડોદરાઃ  જિલ્લાના કરજણમાં આવેલા સ્વામિ વિવેકાનંદ તળાવના કિનારે કપડાં ધોવા માટે ગયેલી મહિલા ઉપર મગરે હુમલો કરી પાણીમાં ખેંચી ગયો હતો. મહિલાને ઊંડા પાણીમાં ખેંચી જઇ ફાડી ખાધી હતી. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો પહોંચી ગયા હતા. જ્યાં તળાવમાં ફરતા મગરોની વચ્ચેથી મહિલાના મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. આ બનાવથી ગામમાં ગમગીની વ્યાપી ગઈ હતી.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે,  વડોદરાના કરજણ ગામમાં કંચનબેન રાઠોડ રહેતા હતા અને એકલવાયું જીવન જીવતા હતા. કંચનબેન પોતાના કપડાં ધોવા માટે ગામમાં આવેલા સ્વામિ વિવેકાનંદ તળાવે ગયા હતા. જ્યાં તેઓ તળાવના કિનારે બેસી કપડાં ધોઇ રહ્યા હતા. તે દરમિયાન તળાવમાંથી ધસી આવેલા મગરે કંચનબેન પર હુમલો કરી અને પોતાના જબડામાં નાંખી ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. આ ઘટનાને પગલે તળાવના કિનારે કપડાં ધોઇ રહેલી અન્ય મહિલાઓએ બુમરાણ મચાવી મૂકી હતી. પરંતુ, લોકો આવે તે પહેલાં મગર કંચનબેનને જડબામાં લઇ ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. આ બનાવની જાણ તળાવની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને થતા તમામ તળાવ ખાતે દોડી આવ્યા હતા.

આ બનાવની જાણ વડોદરા મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયરબ્રિગેડને કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ રબર બોટ, દોરડા સહિતની સાધન-સામગ્રી સાથે પહોંચી ગઇ હતી. તે સાથે આ બનાવની જાણ કરજણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયરબ્રિગેડની રેસ્ક્યુ ટીમે એક કલાક ઉપરાંતની શોધખોળના અંતે તળાવમાં ફરતા મગરો વચ્ચેથી કંચનબેનનો લોહી લૂહાણ થઇ ગયેલો મૃતદેહ શોધી કાઢ્યો હતો.  રેસ્ક્યુ ટીમે પોતાના ઉપર મગરો હુમલો ન કરે તે રીતે સિફત પૂર્વક લાકડીના સહારે મહિલાનો મૃતદેહ પાણીમાંથી શોધી કાઢી બહાર કાઢ્યો હતો. મહિલાના મૃતદેહને તળાવની બહાર લાવી પોલીસને સોંપ્યો હતો. પોલીસે મહિલાનો મૃતદેહ કબજે કરી કરજણ સામુહિક કેન્દ્રમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. કરજણમાં મગરના હુમલાથી મહિલાના નિપજેલાં મોતના બનાવે કરજણ નગરમાં ગમગીની વિયાપી ગઈ હતી.