Site icon Revoi.in

વકીલો ફ્રોડનો ભોગ બનતા હોવાથી દસ્તાવેજ નોંધણીમાં આધારકાર્ડનું ઓપ્શન સ્થગિત કરાયું

Social Share

અમદાવાદઃ રાજ્યમાં દસ્તાવેજોની નોંધણી માટે વકીલોના આધારકાર્ડનો ઉપયોગ થતો હતો. તેના લીધે રાજકોટમાં રેવન્યૂ પ્રેક્ટિસ કરતા 35  જેટલા વકીલોના બેંક ખાતામાંથી બારોબાર રકમ ઉપડી જતાં વકીલોમાં દેકારો મચી ગયો હતો, રેવન્યૂ પ્રેક્ટિશનર્સ એસોસિએશનના નેજા હેઠળ વકીલોએ રાજકોટ જિલ્લાના ઇન્સપેક્ટર ઓફ રજિસ્ટ્રાર હેડ અજય ચારોલ સમક્ષ રજૂઆત કરી હતી અને શનિવારે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆતનો તખ્તો તૈયાર કર્યો હતો. છેલ્લા 20 દિવસમાં રાજકોટના 35થી વધુ રેવન્યુ વકીલ ઓનલાઇન ઠગાઇનો ભોગ બન્યા છે અને આગામી દિવસોમાં રાજ્યભરના વકીલોમાંથી કોઇની સાથે છેતરપિંડી ન થાય તે હેતુથી દસ્તાવેજ નોંધણીમાં આધારકાર્ડનું ઓપ્શન હાલ પૂરતું સ્થગિત કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

રાજ્યમાં દસ્તાવેજોની નોંધણીમાં જે તે રેવન્યુ વકીલનું આધારકાર્ડની નકલ પણ આપવામાં આવતા હોય છે. આથી વકીલો સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. આ અંગે રાજકોટ રેવન્યૂ પ્રેક્ટિશનર્સ એસોસિએશનના પ્રમુખ એન.જે.પટેલે જણાવ્યું હતું કે, વકીલોના બેંક ખાતા સાથે આધારકાર્ડ લીંક થયેલું હોય અને દસ્તાવેજ નોંધણી વખતે વકીલોના આઇડી કાર્ડનો ઉપયોગ થતો હોવાથી એસબીઆઇ, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક સહિતની બેંકોમાં રહેલા વકીલોના ખાતામાંથી રકમ ઉપડી ગઇ છે, બેંકમાં રૂ.10 હજારથી વધુ રકમનો ઓનલાઇન વ્યવહાર કરવામાં આવે તો ઓટીપીની જરૂરિયાત રહે છે જેથી સાયબર ગઠિયાઓએ વકીલોના બેંક ખાતામાંથી બારોબાર રકમ ઉપાડવા માટે 10 હજારથી ઓછી રકમ ઉપાડી હતી જેથી આસાનીથી તેઓને રકમ મળી રહે. સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગરવી-2 સરકારી પ્રોગામ હેઠળ વકીલોના ડેટા સંગ્રહ થાય છે, ગરવી-2 સાઇટ હેક કરી સાયબર ગઠિયાઓએ વકીલોની બેંક ડિટેઇલ મેળવી હોય અથવા સબ રજિસ્ટ્રાર કચેરીના કોઇ સ્ટાફે આ ડેટા બારોબાર કોઇને આપી દીધાની શંકા સેવાઇ રહી છે, આ મામલે રેવન્યૂ પ્રેક્ટિશનર એસોસિએશનના પ્રમુખ પટેલ સહિતના હોદ્દેદારો શનિવારે પોલીસ કમિશનરને રૂબરૂ મળી આ ફ્રોડથી માહિતગાર કર્યા હતા અને વકીલોએ ગુમાવેલી રકમ પરત મળે તેમજ ગઠિયાઓ સામે કાર્યવાહી થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દસ્તાવેજ નોંધણી સમયે મોટાભાગના વકીલ સાક્ષી તરીકે પોતાનું આધારકાર્ડ અને પોતાનો થમ્બ આપતા હોય છે, આથી ગરવી-2 નામનું પોર્ટલ કોઇ ગઠિયાએ હેક કરીને તેમાંથી વકીલના આધારકાર્ડ અને થમ્બના આધારે આ સાયબર ક્રાઇમ કર્યું હોવું જોઇએ કારણ કે, કિસાન વિકાસ માટેની એક યોજનામાં પણ માત્ર આધારકાર્ડ અને થમ્બના ઉપયોગથી પૈસા ઉપાડી શકાય છે, આથી ગઠિયાઓએ આ યોજનામાં જે રીતે રૂપિયા બેંકમાંથી ઉપાડી શકાય છે તેનો લાભ લઇને સૌપ્રથમ વકીલોના આધારકાર્ડ અને થમ્બ યેનકેન પ્રકારે મેળવ્યા બાદ રાજકોટના સંખ્યાબંધ વકીલોના ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા હોય તેવી પણ શંકા છે.

ઠગાઈનો ભોગ બનેલા વકીલોના કહેવા મુજબ આરબીઆઇનો નિયમ છે કે, કોઇપણ વ્યક્તિ સાથે ઓનલાઇન ઠગાઇ થાય તો 24 કલાકમાં તેની જાણ બેંકને કરી દેવાની હોય છે, રાજકોટમાંથી જે 35થી વધુ વકીલના રૂપિયા બારોબાર તેમના ખાતામાંથી ઉપડી ગયા છે તેમાંથી લગભગ તમામના રૂપિયા શુક્રવાર સાંજે અથવા તો શનિવારે વહેલી સવારે ઉપાડી લેવામાં આવ્યા હતા, શનિ-રવિ બે દિવસ બેંકમાં રજાનો લાભ ગઠિયાઓએ લીધો હોય તેવું લાગે છે.