Site icon Revoi.in

અમિતાભ કરતા પણ સારા અભિનેતા કહેનારા ચાહકને અભિષેક બચ્ચને આપ્યો આવો જવાબ

Social Share

મુંબઈઃ તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થયેલા ધ બિગ બુલ ફિલ્મમાં અભિષેક બચ્ચનના અભિનયના ચારેય તરફ વખાણ થઈ રહ્યાં છે. દરમિયાન એક ચાહકે અભિષેક બચ્ચનને અમિતાભ બચ્ચન કરતા પણ વધારે સારા અભિનેતા કહ્યાં હતા. જેની સામે અભિષેક બચ્ચને તેમનો આભાર માનીને કહ્યું હતું કે, અમિતાભ બચ્ચન સાથે કોઈની સરખામણી ના થઈ શકે.

બોલીવુડના શહેનશાહ મનાતા અમિતાભ બચ્ચનના અભિનેતા પુત્ર અભિષેક બચ્ચને ગુરુ, મનમર્જીયા સહિત અને સુંદર ફિલ્મોમાં શાનદાર અભિનયથી અલગ ઓળખ ઉભી કરી છે. જો કે, અભિષેકની તુલના અનેકવાર અમિતાભ બચ્ચન સાથે કરવામાં આવે છે. તેમજ લોકોની ટિપ્પણીઓનો સામનો કરવો પડે છે. લોકોની આલોચના વચ્ચે અભિષેક અસ્વસ્થ થતા નથી. અવાર-નવાર સોશિયલ મીડિયા ઉપર અમિતાભ બચ્ચન અને પોતાના ચાહકોને મજાકિયા અંદાજમાં જવાબ આપે છે. જો કે આ વખતે કંઈક અલગ જ થયું છે. તેમજ તેમને પિતા અમિતાભ બચ્ચન કરતા પણ વધારે સારા અભિનેતા કહેવામાં આવ્યાં હતા.

એક સોશિયલ મીડિયા યુઝરે અભિષેક બચ્ચનની પ્રશંસા કરતા કહ્યું કે, હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ધ બીગ બુલ જોઈ, જેમાં અભિષેક બચ્ચનનો અભિનય અમિતાભ કરતા પણ વધારે સારો લાગ્યો. જો કે, અભિષેક બચ્ચને વિનમ્રતા પૂર્વક ચાહકનો આભાર માનીને કહ્યું હતું કે, કોઈ પણ તેમના પિતા કરતા સારા નથી. અભિષેક બચ્ચને જવાબ આપતા કહ્યું કે, આપની પ્રશંસા માટે આભાર, પરંતુ કોઈ પણ તેમના કરતા વધારે સારુ ના હોઈ શકે. એક ચાહકે ટ્વીટર ઉપર લખ્યું હતું કે, બિગ બુલ ફિલ્મ નીહાળી, મને લાગે છે કે, અભિનય મામલે આપ બીગ બી કરતા સારા છો.

અભિષેક બચ્ચન તાજેતરમાં જ કેટલીક ટીપ્પણીઓનો પણ સામનો કરી રહ્યાં છે. એક મહિલાએ કોમેન્ટ કરી હતી કે, તેમણે માત્ર સકારાત્મક સંદેશ આપવાની જગ્યાએ લોકોની મદદ કરવી જોઈએ. જેના જવાબમાં જુનિયર બચ્ચને કહ્યું હતું કે, સોશિયલ મીડિયા ઉપર કંઈ પોસ્ટ નથી કરી તેનો મતલબ એવો નથી કે લોકોની મદદ કરવા કંઈ કરતો નથી. આપણે બધા પોતાનું શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. સ્થિતિ ખુબ જ દુઃખદાયી છે. જેથી એવુ લાગ્યું કે, થોડો પ્રેમ અને સકારાત્મકતા ફેલાવવાથી મદદ મળી શકે છે.