Site icon Revoi.in

દુનિયાભરમાં આશરે 23.4 કરોડ લોકો ડ્રગ્સનાં બંધાણી : UNODCનો રિપોર્ટ

Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ડ્રગ્સનું દુષણ ફેલાયું છે. દરમિયાન 3 વર્ષના સમયગાળામાં ભારતમાં ડ્રગ્સના કારોબારમાં 455 ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં દર વર્ષે સમગ્ર દુનિયામાં ડ્રગ્સના કારણે બે લાખના મોત થાય છે. જ્યારે ભારતની વાત કરીએ તો દરરોજ સરેરાશ 10 વ્યક્તિઓના ડ્રગ્સ કે દારૂના કારણે મોત થાય છે. યુનાઈટેડ નેશન ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ એટલે કે UNONCના રિપોર્ટ અનુસાર દુનિયામાં લગભગ 23.4 કરોડ લોકો ડ્રગ્સનો નશો કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

એક રિપોર્ટ અનુસાર ભારતમાં છેલ્લા 3 વર્ષમાં ડ્રગ્સના કારોબારમાં 455 ટકાનો વધારો થયો છે. ડ્ર્ગ્સનું દૂષણ હવે ગંભીર સમસ્યા બની ચૂક્યું છે જે યુવાનોની યુવાનીને ઉધઈની જેમ કોરી ખાય છે. UNODC નાં વર્ષ 2015ના આંકડાઓ મુજબ દુનિયાભરમાં આશરે 23.4 કરોડ લોકો ડ્રગ્સનાં રવાડે ચઢી ગયા છે. દર વર્ષે 2 લાખ લોકો નશાને કારણે મૃત્યુ પામે છે.

રાજ્યસભામાં રજૂ કરાયેલા એનસીબીના આંકડાઓ પરથી જણાઈ આવ્યું છે કે, ડ્રગ્સ કે શરાબનાં વ્યસનને કારણે દેશમાં દરરોજ 10 લોકોનાં મોત થાય છે. પંજાબમાં સૌથી વધારે મૃત્યુ થાય છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર , મધ્યપ્રદેશ , તામિલનાડુ અને કેરળમાં પણ માદક દ્રવ્યોના કારણે મૃત્યુનું પ્રમાણ વધ્યાનું જાણવા મળે છે. જ્યારે સમગ્ર દેશમાં આશરે 1.3 કરોડ લોકો ગાંજો કે ચરસનું સેવન કરે છે. આખા વિશ્વની સરખામણીમાં ભારતમાં અફીણમાંથી બનાવવામાં આવતા ગેરકાનૂની નશીલા પદાર્થોનું સેવન વધારે થાય છે.