Site icon Revoi.in

રાજ્યમાં ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓને દિવાળી પહેલા ટેબ્લેટ અપાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ સરકારની વિવિધ યોજનાઓનો ત્વરિત લાભ આપવાના પ્રયાસો હાથ ઘર્યા છે. ગુજરાત સરકાર દ્વારા કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને માત્ર રૂપિયા 1000માં ટેબ્લેટ આપવામાં આવે છે. પરંતુ કોરોનાના કારણે વર્ષ 2019-20 ના અમુક વિદ્યાર્થીઓ યોજનાના લાભથી વંચિત રહી ગયા હતા. તે વર્ષના 72 હજાર વિદ્યાર્થીઓને હવે ટેબ્લેટ આપવામાં આવશે. સરકારે 3 લાખ ટેબ્લેટનો ઓર્ડર આપ્યો છે. જે અંતર્ગત દિવાળી પહેલા આ ટેબ્લેટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2019-20 માં જાન્યુઆરી સુધી દોઢ લાખ બાળકોને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા. પરંતુ કોરોનાના કારણે 72 હજાર જેટલા વિદ્યાર્થીઓ આ લાભથી વંચિત રહી ગયા હતા. બાદમાં સરકાર દ્વારા અપાતા આ ટેબ્લેટ ચાઈનાના હોવાનો વિવાદ સર્જાયો હતો. અને સરકારે ઓર્ડર કેન્સલ કર્યો હતો. સાથે જ વર્ષ 2020-21 માં કોલેજ પ્રવેશ લેનારા 2 લાખ 25 હજાર જેટલા વિદ્યાર્થી પણ આ ટેબ્લેટથી વંચિત છે. ત્યારે દિવાળી સુધી આ બંને વર્ષના દરેક લાભાર્થીને ટેબ્લેટ આપવામાં આવશે. સૌપ્રથમ 2019-20 ના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામા આવશે. જાણવા મળ્યું છે કે આ વિદ્યાર્થીઓમાં સૌથી વધુ GTU ની ટેકનિકલ કોલેજોના વિદ્યાર્થીઓ છે. મહત્વનું છે કે લાભથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષને બદલે અભ્યાસના ત્રીજા વર્ષે વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળશે. જો કે કોરોના લોકડાઉનમાં ઓનલાઈન શિક્ષણ સમયે જેની વધારે જરૂર હતી એ ટેબ્લેટ વિદ્યાર્થીઓને છેક હવે મળશે. ધોરણ 10 અને 12 પછી કોલેજમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનામાં નોંધણી કરાવનારા વિદ્યાર્થીને માત્ર એક હજાર રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવે છે. જો કે આ ટેબ્લેટ ચાઈના કંપનીના હોવાના કારણે તેના પર વિવાદ પણ થયો હતો. જો કે કહેવાઈ રહ્યું છે કે હવે સરકારે ભારતીય કંપનીને ઓર્ડર આપ્યો છે.

(file photo)