Site icon Revoi.in

બેટ દ્વારકામાં ચોથા દિવસે પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી, 3 દિવસમાં 260 મકાનો તોડી પડાયા

Social Share

• ગેરકાયદે ધાર્મિક દબાણો પણ કરાયા દૂર
• રૂપિયા 30 કરોડની સરકારી જમીન ખૂલ્લી કારાવાઈ
• બેટ દ્વારકામાં ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

દ્વારક: બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે દબાણ દૂર કરવાની કામગીરી યથાવત રહી હતી. છેલ્લા ત્રણ દિવસમાં બાલાપરમાં 260 જેટલાં મકાન તોડવામાં આવ્યા છે. ગેરકાયદે બાંધકામો દૂર કરી 60800 ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસની અંદર આશરે 30 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.

યાત્રાધામ દ્વારકાની નજીક આવેલા બેટ દ્વારકામાં કેટલાક વર્ષોથી દબાણો ખડકાયેલા હતા. આથી જિલ્લા તંત્ર દ્વારા છેલ્લા 4 દિવસથી સઘન પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ઓખા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલાં ધાર્મિક સ્થળોને પણ તોડી પાડવામાં આવ્યા હતા. ઓખા વિસ્તારમાં સરકારી જગ્યા પર બનાવવામાં આવેલી હજર પંજપીર દરગાહ તોડી પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગેરકાયદેસર ધાર્મિક માળખાને તોડતા પહેલાં ત્રણ વખત નોટિસ પણ આપવામાં આવી હતી.

દ્વારકામાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશનના કારણે તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન-જાવન પર પ્રતિબંધ લગાવાયો છે. યાત્રિકોનો બેટદ્વારકામાં પ્રવેશ અટકાવવા માટે બેરિકેટ લગાવવામાં આવ્યા છે. જોકે, મંદિરમાં પૂજા-અર્ચનાનો કાર્યક્રમ રાબેતા મુજબ શરુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ પણ અનધિકૃત રીતે સરકારી જમીન પર કરેલાં અતિક્રમણ સંદર્ભે જિલ્લા પ્રશાસને જરૂરી સરવે કરી નોટિસ આપવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરી હતી. ત્યારબાદ આ અંગેની મુદત પૂર્ણ થયા બાદ દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આપ્ટે તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લા પોલીસ પ્રશાસનને સાથે રાખી પંથકમાં કરાયેલા ગેરકાયદેસર ધાર્મિક, રહેણાંક તેમજ કોમર્શિયલ વિસ્તારની સરકારી જગ્યા પરના દબાણ દૂર કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને આજે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાં પણ દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ ફરી અનેક જગ્યાએ લોકો દ્વારા દબાણો કરવામાં આવ્યા હતા. તંત્રને આ વિશે જાણ થતાં જ ફરીથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, નવી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી દ્વારકામાં સંપૂર્ણ રીતે ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Exit mobile version