Site icon Revoi.in

શિક્ષણ સહાયકો તરીકે પસંદ થયા બાદ શિક્ષકો હાજર ન થતા તેમના પગારમાંથી બે લાખ કાપવાનો નિર્ણય

Social Share

અમદાવાદઃ માધ્યમિક શિક્ષકોની  ભરતી સમિતિ દ્વારા શિક્ષકોને સ્કૂલો ફાળવવામાં આવ્યા પછી તેઓ હાજર ન થયા હોવાથી તેમના પગારમાંથી મહિને 5 હજાર પ્રમાણે 40 મહિના સુધીમાં બે લાખ રૂપિયા કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણાં શિક્ષકોએ તાજેતરમાં ભરતીમાં પસંદગીની સ્કૂલ ના મળવવાના કારણે હાજર થયા નહોતા એટલે તેમના પગારમાંથી બે લાખ રૂપિયા કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ શિક્ષકો પાસેથી અગાઉ સોગંદનામું પણ લેવામાં આવ્યું હતું. આમ છતાં શિક્ષકો હાજર ન થતા તેમની સામે કાર્યવાહી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.

શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શિક્ષણ સહાયકોની ભરતી કરાઈ હતી અને આ ભરતીમાં હાલ શિક્ષક તરીકે જ ફરજ બજાવતા શિક્ષકો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી, જોકે, ઉમેદવારો ભરતીમાં જે શાળા ફાળવવામાં આવી હોય ત્યાં હાજર ના થતા હવે તેમની સામે કાર્યવાહીનો નિર્ણય લેવાયો છે, આ શિક્ષકો પાસે ભરતી પહેલા જ સોગંદનામું લેવામાં આવ્યું હતું કે તેઓ જે શાળા મળશે તેમાં ફરજ બજાવવા માટે હાજર થશે.

જે શિક્ષકોએ ભરતી દરમિયાન ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ હાજર ના થતા તેમની સામે ભરતી પ્રક્રિયાની કાર્યવાહીમાં અવરોધ ઉભ કરવા તેમજ બેરોજગાર ઉમેદવારોને રોજગારની તકથી વંચીત રાખી સરકાર શિક્ષિત નાગરિકોને રોજગાર પૂરો પાડવાના લક્ષ્યમાં અવરોધ ઉભો કરવા બદલ ઉમેદવારોના પગારમાંથી માસીક 5 હજાર રૂપિયા લેખે 40 મહિનામાં 2 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવશે.

આ કાર્યવાહી કરવા માટે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા આ મામલે પ્રાથમિક શિક્ષક નિયામક કચેરીનેપત્ર લખીને હાજર ના થનારા શિક્ષકોના નામ અને તેમની હાલની શાળા સહિતની વિગતો આપી છે. જેથી તેમના પગારમાંથી 40 મહિના સુધી 5 હજાર રૂપિયા કાપવામાં આવે. સોગંદનામા પ્રમાણે ભરતી માટે ના આવનારા શિક્ષકોના પગારમાંથી 2 લાખ રૂપિયા કપાશે.