Site icon Revoi.in

પોલીસ કર્મચારીઓ સોશ્યલ મીડિયામાં વિડિયો કે રિલ બનાવી અપલોડ કરશે તો પગલાં લેવાશે

Social Share

અમદાવાદ: ગુજરાતના કેટલાક પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ સોશ્યલ મીડિયામાં વધારે વ્યસ્ત જોવા મળતા હોય છે. એટલું જ નહીં પોલીસના યુનિફોર્મમાં વિડિયો કે રિલ બનાવીને અપલોડ કરતા હોય છે. આથી ડીજીપી વિકાસ સહાયએ પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે પોલીસકર્મી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરશે તો તેમની સામે પગલા લેવામાં આવશે. પોલીસકર્મી યુનિફોર્મમાં રીલ બનાવશે તો પણ તેની સામે કાર્યવાહી કરાશે.

ડીજીપી કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના પોલીસકર્મીઓ માટે સોશિયલ મીડિયા પોલિસી જાહેર કરવામાં આવી છે. પોલીસ કર્મચારીઓને સોશિયલ મીડિયા આચારસંહિતાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે. કેટલાક  પોલીસ જવાનો નિયમોનું પાલન કરતાં હોવાનું સામે આવ્યું છે.  તો કેટલાક જવાનો રીલ્સ બનાવીને સોશિયલ મીડિયામાં  વીડિયો અપલોડ કરતા હોય છે. ફરજ પર અથવા ફરજ પછી વીડિયો બનાવીને અપલોડ કરે છે. જેના કારણે પોલીસકર્મચારીઓ માટે પોલિસી જાહેર કરાઈ છે. જો સોશિયલ મીડિયા આચારસંહિતા ભંગ થશે તો કાર્યવાહી કરાશે. DGP વિકાસ સહાયે IG, SP અને વિભાગના વડાઓને પત્ર લખીને નિયમોનું પાલન કરાવવાની સુચના આપી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યના પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ વર્દી પહેરીને રિલ્સ, વિડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં કરવા પર પ્રતિબંધ છે. તથા પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી આચાર સહિતા બહાર પાડવામાં આવી છે. તેમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પોલીસ અધિકારી કે કર્મચારી સરકારની વિરુદ્ધ કોઈ ટીકા ટિપ્પણી કરી શકશે નહી. હવેથી વર્દી પહેરીને વીડિયો, રિલ્સ બનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ દરેક પોલીસકર્મીએ નિયમોનું પાલન કરવાનું રહેશે. તથા પોલીસ અધિકારી કે કર્મચારી પર નિવેદન ન કરવા આદેશ આપવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં પોલીસ કર્મચારી સરકાર વિરુદ્ધ ટીકા કે ટિપ્પણી કરી શકશે નહીં. કારણ કે તાજેતરમાં પોલીસ કર્મીઓ સોશિયલ મીડિયોનો બેફામ ઉપયોગ કરતા હતા. તેથી નવી આચાર સહિતા બહાર પાડવાની પોલીસ વિભાગને ફરજ પડી છે.