Site icon Revoi.in

અમદાવાદના S G હાઇવે પર બેફામ ઝડપે આવેલી કારે ટક્કર મારતા એક્ટિવાચાલકનું મોત

Social Share

અમદાવાદઃ શહેરના બેફામ ગતિએ દોડતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધા રહ્યું છે. શહેરના એસજી હાઇવે પર હાઈકોર્ટ નજીક સોલા ઓવર બ્રિજ પર કારચાલકે એક એક્ટિવા ચાલકને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતના પ્રચાર પ્રમુખ વિજય ઠાકરના પુત્ર જપન ઠાકરનું મૃત્યુ થતા પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી.  બેફામ ઝડપે કાર ચલાવી કાર ચાલકે એક્ટિવાને પાછળના ભાગે ટક્કર મારી હતી. જેથી એક્ટિવા ચાલક નીચે પટકાયો હતો. અકસ્માત બાદ કારચાલક પોતાની કાર રોકી રોકાઈ ગયો હતો અને પોલીસને જાણ કરતા એસજી- 1 ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકના પરિવારજનને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી અને કારચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે કે, શહેરના ઘાટલોડીયાના કીર્તિ એપાર્ટમેન્ટમાં ઉપાધ્યાય નામનો યુવક રહે છે અને વૈષ્ણોદેવી ખાતે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મોડી રાત્રે તેના મિત્ર યસનો તેના ઉપર ફોન આવ્યો હતો કે તેના ફઈનો દીકરો જપનનો સોલા ઓવરબ્રિજ ઉપર અકસ્માત થયો છે. જેથી તેઓ તાત્કાલિક સોલા ઓવરબ્રિજ ખાતે અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. જ્યાં પહોંચતા તેઓને એક એક્ટિવા અને એક ગાડી અકસ્માત સર્જેલી હાલતમાં જોવા મળી હતી. રોડની સાઈડમાં તેમના ફઇનો દીકરો જપન ઠાકર(ઉં.વ.27) પડેલો હતો. મૃતક જપન ઠાકર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતના પ્રચાર પ્રમુખ વિજય ઠાકરનો પુત્ર હતો. સૂત્રોએ ઉમેર્યું હતું કે, એસજી હાઈવે પરના સોલા બ્રીજ પર  રાતના બે વાગ્યા આસપાસ અકસ્માત સર્જાયો હતો કાર એટલી સ્પીડમાં અથડાઈ હતી કે એક્ટિવા બેન્ડ વળી ગયું હતુ. કાર પૂર ઝડપે  એક્ટિવાની પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. જયારે કારની આગળ બોનેટ અને કાચના ભાગને નુકસાન થયું હતું. એક્ટિવાના આગળના ભાગે નુકસાન થયેલું જોવા મળ્યું હતું.

પોલીસે કારચાલકની પૂછપરછ કરતા તેનું નામ પાર્થ કાંઝિયા (રહે. ચાંદલોડિયા) જણાવ્યું હતું. રાત્રે બે વાગ્યાની આસપાસ તે કાર લઈને જતો હતો, ત્યારે આગળ એકટીવા ચાલક જઈ રહ્યો હતો. પાછળથી કારની ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો અને જપન ઠાકર નીચે પડતા તેને ઇજાઓ થતા તેનું મોત નીપજયું હતું. એસજી 1 પોલીસે ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરી હતી. જાણીતા ગુજરાતી ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) સાથે જોડાયેલા વિજયભાઈ ઠાકરના પુત્ર જપન ઠાકરનું દુઃખદ નિધન થયું છે. રિવોઈ પરિવારે જપનને શ્રદ્ધાંજલી પાઠવી છે અને દુઃખની આ ઘડીમાં રિવોઈ પરિવાર ઠાકર પરિવાર ઉભો છે. જપન ઠાકરનું બેસણુ રવિવારના રોજ સવારે 9થી 11.30 કલાક સુધી એસ.જી.હાઈવે પર સોલા ભાગવત પાસે શ્રી સ્થળ હોલ ખાતે રાખવામાં આવ્યું છે.