Site icon Revoi.in

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને મળ્યાં

Social Share

નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને જાણીતા ઉદ્યોગ જૂથ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી મળ્યા હતા. આ દરમિયાન ગૌતમ અદાણીએ ડિસેમ્બર સુધીમાં ગોડ્ડા પાવર પ્રોજેક્ટ હેઠળ ટ્રાન્સમિશન લાઈનને પુર્ણ કરવાની ખાતરી આપી હતી. અદાણી ગ્રુપની કંપની અદાણી પાવરએ ઝારખંડના ગોડ્ડામાં 1600 મેગાવોટના થર્મલ પ્લાન્ટ લગાવ્યો છે. ટ્રાન્સમિશન લાઈન મારફતે બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (બીપીડીબી)ને વિજળી સપ્લાય કરવામાં આવશે. આ અંગે વર્ષ 2016માં કરાર થયાં હતા.

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથેની મુલાકાત બાદ ગૌતમ અદાણીએ ટ્વીટર ઉપર એક તસ્વીર શેયર કરી હતી. તેની સાથે લખ્યું હતું કે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને દિલ્હીમાં મળવું સમ્માનની વાત છે. બાંગ્લાદેશ માટે તેમનું વિઝન ઈન્સ્પિરેશનલ અને સાહસિક છે. 16મી ડિસેમ્બર 2022ના વિજય દિવસે 1600 મેગાવોટના ગોડ્ડા પાવર પ્રોજેક્ટ અને બાંગ્લાદેશને ડેડિકેટેડ ટ્રાન્સમિશન લાઈનની કમિશનિંગ માટે કમિટેડ છું.

અત્રે ઉલ્લેખનીય છે કે, 800-800 મેગાવોટના બે પ્લાન્ટના નિર્માણ માટે ઝારખંડ સરકાર અને અદાણી પાવર વચ્ચે ફેબ્રુઆરી 2016માં એક કરાર થયાં હતા. જે અંતર્ગત અહીં ઉત્પાદિત 1600 મેગાવોટ વિજળી વિશેષ ટ્રાન્સમિશન લાઈનથી સીધી બાંગ્લાદેશને મોકલવામાં આવશે.

ભારતની ચાર દિવસની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ સોમવારે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર સાથે વાતચીત કરીને પોતાની રાજકીય બેઠકોની શરૂઆત કરી હતી. આજે પીએમ મોદી અને શેખ હસીના વચ્ચે બેઠક મળી હતી. જેમાં સાત મહત્વના એમઓયુ થયા હતા.