Site icon Revoi.in

અરવિંદ કેજરિવાલની મુશ્કેલી વધી, ઈડીએ પૂછપરછ માટે વધુ એક સમન્સ પાઠવ્યું

Social Share

નવી દિલ્હીઃ EDએ દિલ્હી શરાબ કૌભાંડમાં પૂછપરછ માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને સાતમું સમન્સ મોકલ્યું છે. EDએ અગાઉ કેજરીવાલને છ સમન્સ મોકલ્યા હતા, પરંતુ કોઈ પણ કારણોસર દિલ્હીના મુખ્યમંત્રી ED સમક્ષ હાજર થયા ન હતા. હવે સાતમું સમન્સ જાહેર થતાં અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી દારૂ કૌભાંડમાં કથિત મની લોન્ડરિંગના આરોપો છે અને EDએ આ જ કેસમાં પૂછપરછ માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને સમન્સ જાહેર કર્યું છે. અગાઉ 14 ફેબ્રુઆરીએ પણ EDએ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું, પરંતુ છઠ્ઠા સમન્સ પર પણ કેજરીવાલ ED સમક્ષ હાજર થયા ન હતા. આ પહેલા ગયા વર્ષે 2 નવેમ્બર, 21 ડિસેમ્બર અને આ વર્ષે 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરીએ EDએ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ જાહેર કર્યું હતું.

જ્યારે છઠ્ઠું સમન્સ જાહેર કરવામાં આવ્યું ત્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ‘અમે કાયદા મુજબ જવાબ આપી રહ્યા છીએ અને EDએ નવું સમન્સ જારી કરતા પહેલા કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.’ દિલ્હી કોર્ટે કેજરીવાલને ED સમક્ષ હાજર થવામાંથી મુક્તિ આપી હતી.

બીજી તરફ, EDનો આરોપ છે કે અરવિંદ કેજરીવાલ જાણીજોઈને સમન્સનું પાલન નથી કરી રહ્યા અને સતત બાલિશ કારણો આપી રહ્યા છે. EDએ કહ્યું કે ‘જો ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકો પણ આ રીતે કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેનાથી સામાન્ય માણસને ખોટો સંદેશ જશે.’

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારે 2021-22ની આબકારી નીતિ હેઠળ જે દારૂના વેપારીઓને લાઇસન્સ આપ્યા હતા તેમણે તેના માટે લાંચ આપી હતી અને લાઇસન્સ તેમની પસંદગીના દારૂના વેપારીઓને જ આપવામાં આવ્યા હતા. જો કે આમ આદમી પાર્ટીએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ગેરરીતિઓને કારણે દારૂની નીતિને રદ કરી દીધી હતી અને સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. EDએ કથિત મની લોન્ડરિંગના આરોપમાં પણ કેસ નોંધ્યો હતો.