Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં SOPનું પાલન કરવું અતિઆવશ્યક,નહીં થાય તો કોરોનાની ત્રીજી લહેરનું જોખમ

Social Share

શ્રીનગર :કોરોનાને લઈને સરકાર દ્વારા અત્યારે પણ લોકોને સતર્ક રહેવાની સલાહ અને સૂચના આપવામાં આવી રહી છે, કેટલાક લોકો દ્વારા તો કોરોનાને લઈને સંપૂર્ણપણે બેદરકારીભર્યું વર્તન કરાવમાં આવી રહ્યું છે ત્યારે આવામાં જમ્મુ અને કાશ્મીરને લઈને મહત્વની જાણકારી આવી રહી છે. શ્રીનગરના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ એજાઝ અસદે શનિવારે જણાવ્યું હતું કે, શ્રીનગરમાં કોવિડ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન ન કરવાથી જમ્મુ અને કાશ્મીરમાં ત્રીજી લહેર આવી શકે છે.

તેમણે કહ્યું કે કેસ વધવા પાછળનું કારણ કોવિડ માર્ગદર્શિકાનું પાલન ન કરવું છે. તેમણે કહ્યું કે, જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે હું એ કહેવામાં અચકાવું નહીં કે જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત ત્રીજી કોવિડ વેવનું કારણ શ્રીનગર હોઈ શકે છે. તેમણે કહ્યું કે એસઓપીનું પાલન કરવાની જરૂર છે જેથી કરીને કોરોના વાયરસના ફેલાવાને રોકવામાં સરળતા રહે. જો કે, તેમણે કહ્યું કે જે લોકો માર્ગદર્શિકાનું પાલન નહીં કરે, વહીવટીતંત્ર આ અંગે કડક પગલાં લેશે.

ઉલ્લેખનીય છે કે,શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં કોરોનાવાયરસના 109 નવા દર્દીઓ મળી આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, નવા કેસમાંથી 11 જમ્મુ ક્ષેત્રમાંથી આવ્યા છે, જ્યારે કાશ્મીરમાં 98 દર્દીઓ મળી આવ્યા છે. તેમણે જણાવ્યું કે શ્રીનગર જિલ્લામાં સૌથી વધુ 64 કેસ મળી આવ્યા છે. આ પછી બારામુલ્લા જિલ્લામાં 12 સંક્રમિતોની પુષ્ટિ થઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેન્દ્રશાસિત પ્રદેશમાં ચેપની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1,009 છે જ્યારે 3,27,311 દર્દીઓ ચેપમાંથી સ્વસ્થ થયા છે.