Site icon Revoi.in

અમદાવાદમાં પ્રિ-સ્કુલોને BU અને FIREના મુદ્દે સીલ કરાતા સંચાલકોએ બેનર સાથે કર્યો વિરોધ

Social Share

અમદાવાદઃ રાજકોટમાં અગ્નિકાંડના બનાવ બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ સફાળા જાગીને શહેરમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તેવા બિલ્ડિંગો સીલ મારવાની ઝૂંબેશ હાથ ધરી હતી. જેમાં શહેરમાં 500 જેટલી પ્રિ-સ્કૂલોને પણ સીલ મારવામાં આવ્યા છે. જેની સામે પ્રિ-સ્કૂલોના સંચાલકોએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે હાથમાં બેનર્સ સાથે વિરોધ કર્યો હતો.

અમદાવાદ શહેરમાં આવેલી પ્રિ-સ્કૂલોમાંથી 70 ટકા પ્રિ-સ્કૂલને મ્યુનિ.એ સીલ મારી દીધા છે.  પ્રિ-સ્કૂલોને સિલ મરાતા સ્કૂલ સંચાલકોમાં રોષ જોવા મળ્યો છે. આજે  મંગળવારે શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર 200 જેટલા પ્રિ-સ્કૂલ સંચાલકો અને શિક્ષકો ભેગા થયા હતા. રિવરફ્રન્ટ પર ખુરશીઓમાં હાથમાં બેનર સાથે સંચાલકો અને શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો. સંચાલકો  પ્રિ-સ્કૂલ ખોલવા તથા BU પરમિશન માટે સમય આપવાની માગ કરી રહ્યા છે. પ્રિ-સ્કુલોના સંચાલકોનું કહેવું છે કે, 500 જેટલી પ્રિ-સ્કૂલ સીલ કરવામાં આવી છે. જેમાં 5000 કરતા વધુ શિક્ષકો કામ કરે છે. તેમની રોજગારી અત્યારે જોખમમાં છે. પ્રિ-સ્કૂલમાં 50 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા જે અભ્યાસ પણ અત્યારે બંધ થયો છે. સ્કૂલ સીલ રહેશે તો વિદ્યાર્થીના ભવિષ્ય પર સવાલ ઉભા થશે. BU પરમિશન માટે સમય આપવો જોઈએ. ફાયર સેફ્ટીના નિયમોના પાલન સાથે સ્કૂલ શરૂ કરવા દેવી જોઈએ.

પ્રિ-સ્કૂલોના સંચાલકોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટની ઘટના બાદ પ્રિ-સ્કૂલ સીલ કરવામાં આવી છે. સરકાર SOP સામાન્ય સ્કૂલની જેમ નહીં પરંતુ પ્રિ-સ્કૂલ માટે નાના બાળકોને ધ્યાનમાં રાખીને બનાવે. મોટાભાગની સ્કૂલો પાસે કોમર્શિયલ અને રેસિડેન્સિયલ BU પરમિશન છે, પણ એજ્યુકેશનલ BU પરમિશન મેળવી મુશ્કેલ છે. જેથી તેમાં રાહત આપવી જોઈએ. મોટાભાગની  પ્રિ-સ્કૂલો વર્ષોથી ચાલી રહી છે. મ્યુનિએ સીલ મારી દેતા 70% સ્કૂલ અત્યારે બંધ છે,  જેને કારણે 70% પ્રિ-સ્કૂલોના મહિલાઓની રોજગારી ઉપર સવાલ ઊભા થયા છે. પ્રિ-સ્કૂલ સીલ થવાથી જે બાળકોએ નજીકની સ્કૂલમાં અભ્યાસ કરતા હતા તેમના અભ્યાસ પર પણ અસર થઈ છે.

પ્રિ-સ્કૂલ એસોસિએશનના સભ્ય સાગરભાઈએ જણાવ્યું હતું કે, આજે પ્રિ-સ્કૂલના સંચાલકો, શિક્ષકો અને વાલીઓ વિરોધ માટે આવ્યા છે. સરકારે જે પોલિસી બનાવી છે તે નાની પ્રિ-સ્કૂલને ધ્યાનમાં રાખીને નથી બનાવી. નવી એજ્યુકેશન પોલીસી હેઠળ પ્રિ-સ્કૂલ માટે ટ્રસ્ટ બનાવવાનું, BU પરમિશન, ફાયર સેફ્ટી, 5000 દર વર્ષે ફી ભરવી અને 15 વર્ષનો કરાર કરવો જરૂરી છે. પરંતુ નાની પ્રિ-સ્કૂલ હોય તેમાં આ પ્રકારની વ્યવસ્થા કરવી મુશ્કેલ છે. નાની સ્કૂલો માટે આ ખર્ચો પોસાય તેમ નથી. વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે અમે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, AMC સહિતની જગ્યાએ રજૂઆત કરી છે. ફાયર સેફ્ટીના નિયમોનું પાલન અમે કરીએ છીએ. પરંતુ BU પરમિશનમાં કોમર્શિયલ અથવા રેસિડેન્સિયલ હોય તો પણ સ્વીકારવું જોઈએ. સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના સર્ટિફિકેટના આધારે મંજૂરી આપવી જોઈએ.

Exit mobile version