Site icon Revoi.in

કોરોના સામે આગોતરૂ આયોજનઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ખાસ વોર્ડ તૈયાર કરાયો

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં જે કેસ નોંધાઈ રહ્યા છે, એમાં અમદાવાદ શહેર મોખરે છે. કોરોના સામે સરકારે તમામ હોસ્પિટલોમાં આગોતરી તૈયારીઓ કરી દીધી છે. ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામા આવી છે.  કોરોના સંક્રમિત થનારા બાળકો માટે સિવિલ હોસ્પિટલમાં NICU, PICU અને વેન્ટિલેટર બેડ તૈયાર રાખવામાં આવ્યાં છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે કરવામા આવેલી વ્યવસ્થા અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યુ હતુ કે હાલ સિવિલ હોસ્પિટલમાં કોઈ સંક્રમિત બાળકનો કેસ આવ્યો નથી પણ બાળકો સંક્રમિત થઇ શકે છે તેવી શક્યતાના આધારે અમે અત્યારથી જ તૈયારી શરુ કરી દીધી છે. બાળકો માટે ખાસ વોર્ડ તૈયાર રાખવામાં આવ્યાં છે. આ સમય બાળકોને સાચવવાનો છે બાળકોને કીટી પાર્ટીમા લઇ જવાનો નથી. બાળકોની આસપાસ રહેતા લોકો જો વેક્સિનેટેડ હશે તો બાળકો સંક્રમિત થવાનો ચાન્સ ઓછો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં પ્રતિદિન 2500 જેટલાં નોંધાઈ રહ્યા છે. આ વખતે સૌથી મોટી રાહત એ છે કે, કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોવાથી મોટાભાગના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી નથી. ગઈકાલે સિવિલમાં 4 નવા દર્દી તેમજ સોલા સિવિલમાં 2 નવા દર્દી દાખલ થયાં હતા. જયારે ખાનગી હોસ્પિટલમાં પણ નવા 4 દર્દી દાખલ થયાં હતા.

મહત્વની વાત એ છે કે, સિવિલની 1200 બેડમાં દાખલ બે દર્દી બાયપેપ પર છે, જેમણે વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી, જયારે એક ડોઝ લેનાર વ્યકિત વેન્ટિલેટર માસ્ક પર છે. જેથી વેક્સિનના એક પણ ડોઝ ન લીધા હોય તેવાં લોકોએ વિશેષ તકેદારી રાખવાનું ડોકટરો જણાવી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ જણાવે છે કે, 1200 બેડ હોસ્પિટલમાં રવિવારે કોરોનાના નવા 4 દર્દી સાથે કુલ 17 દર્દી દાખલ છે, જેમાં ઓમિક્રોનના એક દર્દીનો સમાવેશ થાય છે.