Site icon Revoi.in

અફઘાનિસ્તાનઃ તાલિબાનોએ દીકરીઓના શિક્ષણ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો, વિદ્યાર્થિનીઓ રસ્તા ઉપર ઉતરી

Social Share

નવી દિલ્હીઃ ઈસ્લામિક રાષ્ટ્ર ઈરાનમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ હિજાબ મુદ્દે આંદોલન કરી રહી છે, હવે અન્ય મુસ્લિમ રાષ્ટ્ર અફઘાનિસ્તાનમાં પણ તાલિબાની કાયદાને પગલે વિદ્યાર્થિનીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન બાદ અનેક કાયદામાં ફેરફાર કરવામાં આવ્યાં છે. દરમિયાન છોકરીઓના ઉચ્ચ શિક્ષણ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવતા વિદ્યાર્થિનીઓમાં રોષ ફેલાયો છે. તેમજ કાબુલમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને દેખાવો યોજીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન છે ત્યારથી મહિલાઓને ઘણા પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. હવે તાલિબાન શાસને તેમના માટે ઉચ્ચ શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારથી અહીંની મહિલાઓમાં રોષ છે. તાલિબાની સરકારના નિર્ણયના વિરોધમાં કાબુલમાં યુનિવર્સિટીની બહાર મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ હતી અને તાલિબાન સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.

23 વર્ષીય વિદ્યાર્થિની અમિની જણાવ્યું હતું કે, અમે બધા પાંજરામાં બંધ પક્ષીઓ જેવા અનુભવીએ છીએ. અમે એકબીજાને ગળે લગાવીને રડીએ છીએ અને કહીએ છીએ કે આવું ફક્ત અમારી સાથે જ કેમ થઈ રહ્યું છે. અમીનીએ તેની ત્રણ બહેનો સાથે વિરોધમાં હાજરી આપી હતી. આમાંથી બે માધ્યમિક શિક્ષણ માટે પ્રતિબંધિત છે.

તાલિબાન સરકારે એક વટહુકમ બહાર પાડીને મહિલાઓના અધિકારો પર કડકાઈ કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ખાનગી અને જાહેર યુનિવર્સિટીઓમાં મહિલા વિદ્યાર્થીઓના પ્રવેશ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે. આ હુકમ આગામી સૂચના સુધી ચાલુ રહેશે. અફઘાનિસ્તાનમાં શિયાળાના પગલે યુનિવર્સિટીઓ પહેલેથી જ બંધ છે, જો કે, અત્યાર સુધી છોકરાઓ અને છોકરીઓ પુસ્તકાલયમાં અભ્યાસ કરી શકતા હતા, પરંતુ આ આદેશ બાદ મહિલાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

મહિલાઓના અધિકારોને લઈને તાલિબાન સરકારના નવા આદેશ સામે પુરૂષ વિદ્યાર્થીઓ પણ સામે આવ્યા છે. પૂર્વીય શહેર જલાલાબાદમાં, કેટલાક પુરૂષ વિદ્યાર્થીઓએ નિર્ણયના વિરોધમાં તેમની પરીક્ષાઓ છોડી દીધી હતી. કાબુલમાં એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, મારી બહેન કમ્પ્યુટર સાયન્સની વિદ્યાર્થી છે. મેં તેને આ ઓર્ડર વિશે જાણ કરી ન હતી કારણ કે હું જાણતો હતો કે આ ઓર્ડર તેને ઊંડો આંચકો આપશે. કાબુલમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારી પાંચ વિદ્યાર્થીનીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ત્રણ પત્રકારોની પણ અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.