Site icon Revoi.in

આફતાબ નાર્કો ટેસ્ટ : જાણો કેવી રીતે થાય છે નાર્કો ટેસ્ટ, આ ટેસ્ટથી ઘણાં રહસ્યો ઉજાગર થવાની સંભાવના

Social Share

દિલ્હી : દિલ્હી પોલીસ દ્વારા બુધવારે શ્રદ્ધા હત્યા કેસમાં, સાકેત કોર્ટમાં આરોપી આફતાબનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરાવવાની પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર કોર્ટે તેને મંજૂરી આપી ન હતી.

જો કે દિલ્હી પોલીસે  આ બાબતે દલીલ કરી હતી કે આરોપી આફતાબ પોલીસને ખોટી માહિતી આપી રહ્યો હતો. પોલીસને શંકા છે કે આફતાબે તેની ગર્લફ્રેન્ડ શ્રદ્ધાના મોબાઈલ અને જે હથિયારથી તેનું ગળું રહેંસી નાંખ્યું હતું, તે અંગેની માહિતી ખોટી આપીને પોલીસને ગેરમાર્ગે દોરે છે અને તેથી જો નાર્કો ટેસ્ટની મંજૂરી આપવામાં આવે તો આ કેસમાં યોગ્ય અને ઝડપી તપાસ શક્ય બની શકે. આફતાબ પોલીસને રોજ નવી નવી વાતો કરીને ગુમરાહ કરી રહ્યો છે. તેનું કહેવું છે કે શ્રદ્ધા તેની સાથે ઝઘડો કરીને ઘર છોડીને જતી રહી હતી. આ બાબતે પોલીસની સઘન પૂછતાછ પછી પણ આફતાબના ચહેરા પર કોઈ અફસોસ નથી. આફતાબ કહે છે કે તે અને શ્રદ્ધા એકબીજા પર શંકા કરતા હતા. શ્રદ્ધાનું ખૂન કર્યા પછી તેના શરીરના ટુકડાં કરી તેને ફેંકી દેવાનો વિચાર તેને વિદેશી ક્રાઈમ સિરિયલ ડેક્સ્ટર પરથી આવ્યો હતો.

શું હોય છે આ નાર્કો ટેસ્ટમાં?

નાર્કો ટેસ્ટ એ એક પરીક્ષણ પ્રક્રિયા છે જેમાં વ્યક્તિને સાયકોએક્ટિવ ડ્રગ આપવામાં આવે છે જેને ટ્રુથ ડ્રગ તરીકે ઓળખવામાં આવે છે. આ દવા લોહીમાં પહોંચતાની સાથે જ આરોપી અર્ધબેભાન અવસ્થામાં પહોંચી જાય છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં, સોડિયમ પેન્ટોથોલનું ઇન્જેક્શન પણ આપવામાં આવે છે. તપાસ દરમિયાન, સ્થળ પર ફોરેન્સિક નિષ્ણાતો, મનોવૈજ્ઞાનિકો અને ડૉક્ટરો પણ  હાજર હોય  છે. આરોપીની આ અર્ધ બેભાન અવસ્થામાં તપાસ ટીમ, કેસ અંગેની જરૂરી વિગતો મેળવવા નક્કી કરેલી રીતે પ્રશ્નો પૂછીને માહિતી મેળવતાં હોય છે.

કેવી છે તપાસ?

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, આફતાબ માટે હવે નાર્કો ટેસ્ટ નક્કી થઇ ગયો છે. જેમાં તપાસ દરમિયાન પોલીસ ટીમની સાથે એક મનોચિકિત્સક પણ રહેશે. આ ટેસ્ટમાં વપરાતી હોય તેવી એક દવાનું ઇન્જેક્શન આપવામાં આવે છે, જે વ્યક્તિને એનેસ્થેસિયાના વિવિધ તબક્કામાંથી પસાર થતો હોય, તેવો અનુભવ કરાવે છે. જે એક પ્રકારે હિપ્નોટિક વાતાવરણ ઊભું કરે છે. એકવાર આ ઈન્જેકશન આપ્યા પછી,  વ્યક્તિનું મગજ સભાન અવસ્થામાં જે વાત જાહેર કરતાં તે ખચકાટ અનુભવે છે, તેવી દરેક વાત પરનો તેનો કાબૂ તે આ ઈન્જેકશનની અસર તળે થોડાં સમય માટે  ગુમાવી દે છે.  અને આ પરિસ્થિતિમાં તે પોતાના અવચેતન મગજમાં રાખેલી વાત પણ જાહેર કરી દે છે.

શું આફતાબને બીજા કોઈનો ટેકો નહોતો?

પોલીસને શંકા છે કે આ જઘન્ય અપરાધમાં શું આફતાબને અન્ય કોઈનો પણ સાથ મળ્યો હતો? જોકે આરોપીએ આ વાતને નકારી કાઢી છે. પણ આવી કેટલીય આશંકાઓ નાર્કો ટેસ્ટ દ્વારા દૂર કરી આ કેસની સત્ય હકીકત મેળવી શકાશે.

(ફોટો: ફાઈલ)