Site icon Revoi.in

એક દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો વધારો,જાણો કેટલા થયા ભાવ

Social Share

દિલ્હી:એક દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.પેટ્રોલની કિંમત 76 થી 85 પૈસા વધી છે, જ્યારે ડીઝલની કિંમત પણ 76 થી 85 પૈસા વધી છે. છેલ્લા 12 દિવસમાં આ 10મો વધારો છે અને આ વધારા બાદ તેલની કિંમતમાં અત્યાર સુધીમાં પ્રતિ લિટર 7.20 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે આ 12 દિવસમાં તમારે એક લિટર પેટ્રોલ અથવા ડીઝલ પર 7.20 રૂપિયા વધુ ચૂકવવા પડશે.દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 102.61 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે જ્યારે ડીઝલ 93.87 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત 117.57 રૂપિયા અને ડીઝલની કિંમત 101.79 રૂપિયા પ્રતિ લીટર છે.કોલકાતામાં પેટ્રોલની કિંમત 112.19 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 97.02 રૂપિયા પ્રતિ લીટર છે. જયારે ચેન્નાઈમાં પણ પેટ્રોલ 108.21 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 98.28 રૂપિયા પ્રતિ લીટર છે.ગયા વર્ષે 4 નવેમ્બરથી આ બંને ઈંધણની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

સરકારના રાજકીય વિરોધીઓએ આરોપ લગાવ્યો હતો કે,મોદી સરકારે પાંચ રાજ્યોમાં ચૂંટણીને કારણે તેલ કંપનીઓને ભાવ વધારવાથી રોકી હતી.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 112 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા બાદ ઓઈલ કંપનીઓએ રવિવારે ડીઝલના મોટા ખરીદદારો માટે 25 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. ઓઈલ ડીલર્સનું કહેવું છે કે,છૂટક કિંમતમાં ધીમે ધીમે વધારો કરવામાં આવશે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા ચાલી રહી છે.મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.