Site icon Revoi.in

અમૂલ બાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો

Social Share

નવી દિલ્હી, 14 મે 2026: Mother Dairy અમૂલ ઈન્ડિયા બાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ વધારો 2 રૂપિયા પ્રતિ લિટર મુજબ કરવામાં આવ્યો છે. કંપનીએ જણાવ્યું કે નવા દરો 14 મે 2026થી અમલમાં આવશે.

મધર ડેરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં ખેડૂતો પાસેથી દૂધની ખરીદીના ખર્ચમાં સતત આશરે 6 ટકાનો વધારો થયો છે. ગ્રાહકો પર ઓછી અસર પડે તેવા પ્રયાસો છતાં કિંમતોમાં સુધારો કરવો જરૂરી બની ગયો હતો.

કંપનીના જણાવ્યા અનુસાર, આ વધારો કુલ ખર્ચની સરખામણીમાં આંશિક છે અને તેનો ઉદ્દેશ્ય ખેડૂતોના હિત અને ગ્રાહકો વચ્ચે સંતુલન જાળવી રાખવાનો છે.

પ્રવક્તાએ જણાવ્યું કે મધર ડેરી તેની દૂધના વેચાણમાંથી થતી કમાણીનો લગભગ 75થી 80 ટકા હિસ્સો ખેડૂતો અને દૂધની ખરીદી પર ખર્ચ કરે છે. આનાથી ખેડૂતોની આજીવિકાને ટેકો મળે છે અને ગ્રાહકોને સતત ગુણવત્તાયુક્ત દૂધ ઉપલબ્ધ કરાવી શકાય છે.

કંપનીએ જણાવ્યું હતું કે આ પહેલા દૂધના ભાવમાં છેલ્લે એપ્રિલ 2025માં સુધારો કરવામાં આવ્યો હતો.

બલ્ક વેન્ડેડ મિલ્ક (ટોકન મિલ્ક): કિંમત ₹56 થી વધીને ₹58 પ્રતિ લીટર થઈ છે.
ફુલ ક્રીમ દૂધ: ₹70 ને બદલે હવે ₹72 પ્રતિ લીટર મળશે.
ટોન્ડ મિલ્ક: કિંમત ₹58 થી વધીને ₹60 પ્રતિ લીટર કરવામાં આવી છે.
ડબલ ટોન્ડ મિલ્ક (લાઈવ લાઈટ): હવે ₹52 ને બદલે ₹54 પ્રતિ લીટર મળશે.
ગાયનું દૂધ: કિંમત ₹60 થી વધીને ₹62 પ્રતિ લીટર કરવામાં આવી છે.
પ્રો મિલ્ક: હવે ₹70 ને બદલે ₹72 પ્રતિ લીટર મળશે.

તદુપરાંત, આ પહેલા અમૂલ ઈન્ડિયા તરફથી સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવવામાં આવ્યું હતું કે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો અમૂલ તાજા, અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ અને અન્ય મુખ્ય વેરિઅન્ટ્સ પર લાગુ થશે.

Exit mobile version