Site icon Revoi.in

ગ્રેડ-પેના મામલે પોલીસ કર્મચારીઓને ઈન્સેન્ટિવ બાદ એફિડેવિટનો આગ્રહ રખાતા નારાજગી

Social Share

અમદાવાદઃ ગુજરાત પોલીસના કર્મચારીઓને પે-ગ્રેડ આપવાની ઘમા સમયથી માગ થઈ રહી હતી. અને પોલીસ પરિવારોએ આ મામલે લડત પણ આપી હતી. ત્યારબાદ સરકારે પે-ગ્રેડના સ્થાને ઈન્સેન્ટિવ જાહેર કર્યું હતુ. અને પોલીસ કર્મચારીઓ પાસેથી હવે બાયેધરી પત્ર લેવામાં આવી રહ્યા છે. લેખિત નહીં માત્ર મૌખિક આદેશથી બાંયેધરી પત્ર લેવામાં આવતા પોલીસ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત પોલીસને ગ્રેડ–પેના બદલે અપાયેલા જાહેર સુરક્ષા પ્રોત્સાહન હેઠળના પગાર વધારા ભથ્થા સામે આમ તો મહત્તમ પોલીસ કર્મીઓમાં નારાજગી જેવું છે. સોશિયલ મીડિયામાં પણ વિરોધ દેખાઈ રહ્યો છે. આ જાહેર સુરક્ષા પ્રોત્સાહન માટે પણ પોલીસને બાંહેધરી પત્ર (એફિડેવિટ) આપવાનું કહેવાતા પોલીસ કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પરંતુ શિસ્તને કારણે પોલીસ કર્મચારીઓ વિરોધ કરી શક્તા નથી. રાજકોટ શહેર પોલીસના કર્મચારીઓને મૌખિક સૂચના અપાતા પોલીસ કર્મીઓ ભારે મુંઝવણમાં મુકાયા હોવાનું કહેવાય છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યભરમાં પોલીસ દ્વારા અગાઉ ગ્રેડ–પે મામલે આંદોલન કે, માગણીનું રણશીંગ ફંકાયું હતું. ઘણી જગ્યાએ જાહેરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. કેટલાંક પોલીસ કર્મચારીઓ પર એકશન પણ લેવાયા હતા.આખરે રાજ્ય સરકાર દ્વારા ગ્રેડ–પેના બદલે જાહેર સુરક્ષા પ્રોત્સાહન (પબ્લીક સિકયુરિટી ઈન્સ્ટેન્ટીવ) આપવાની જાહેર કરાઈ અને એલઆર (લોક રક્ષક)થી એએસઆઈ સુધીના કર્મચારીઓના પગારમાં વધારો થયો છે.  પોલીસ કર્મચારીઓએ ડિસીપ્લિન ફોર્સ હોવાથી ગ્રેડ–પેના બદલે આ નવા નામ હેઠળનો વધારો સ્વીકારવા પણ મન મનાવી લીધું હતું. જો કે, પોલીસ માટે કોથળામાંથી બીલાડું નીકળ્યાની માફક બાંહેધરી પત્ર (એફિડેવિટ) આપવાનો નવો હુકમ આવ્યો હતો. બાંહેધરી પત્રમાં રહેલી શરતો પોલીસને કાંડા કાપી લેવા જેવી આકરી પડી રહી હોય તેવી ચર્ચા છે. સમગ્ર રાજ્યમાં પોલીસ કર્મીઓ દ્રારા એફિડેવિટ આપવા કે  ન આપવા બાબતે અંસમંજશ જેવું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ શહેર પોલીસમાં સંબંધિત અધિકારીગણ દ્વારા તાબાના સ્ટાફ પાસે એફિડેવિટ આપવા અને ન આપે તો ખુલાસો આપવા મૌખિક સૂચના અપાઈ હોવાનું જાણવા મળે છે, આવી ખુલાસા સંબંધી સૂચનાનો ગણગણાટ ચાલી રહ્યો છે. કે આવો તો કોઈ પરિપત્ર નથી અપાયો,  એફિડેવિટ ન આપો તો ખુલાસો આપવો ફરજિયાત છે, જેઓને બાંહેધરી પત્ર આપવું હોય તે સહી કરે ન આપવું હોય તે ન કરે, પણ ખુલાસો લેવો યોગ્ય ન કહેવાય.