Site icon Revoi.in

કેરળ બાદ હવે યુપીમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, તપાસ માટે દિલ્હીથી આવી ટીમ

Social Share

લખનઉ:દેશમાં કોરોનાનો કહેર યથાવત છે, થોડા ઘણા અંશે હજુ પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.હજુ પણ કોરોનાથી દેશને રાહત મળી નથી ત્યાં કેરળ બાદ હવે યુપીમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે.57 વર્ષીય એરફોર્સના કર્મચારીને સોપ્રથમ ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાયા બાદમાં આ કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.પરંતુ તબિયતમાં સુધારો ન આવતા તેમના પરીક્ષણો માટે નમૂના નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી પુણે મોકલવામાં આવ્યા હતા.અહીં ટેસ્ટ કરાવ્યા બાદ શનિવારે મોડી રાત્રે જાણવા મળ્યું કે આ વ્યક્તિ ઝીકા પોઝિટિવ છે.

ઝીકાનો પ્રથમ દર્દી નોંધાયા બાદ યુપી આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. દર્દી અને તેની નજીકના 22 લોકો તેમજ તેની સારવાર કરતા સ્ટાફને અલગ રાખવામાં આવ્યા છે. આ તમામના નમૂના પણ તપાસ માટે કેજીએમયુ લખનઉ મોકલવામાં આવ્યા છે.એરફોર્સ સ્ટેશનના વોરંટ ઓફિસર એમએમ અલી ઝીકા પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં, ઝીકા સંક્રમણને રોકવા માટે 10 ટીમોની રચના કરવામાં આવી છે. એરફોર્સના વોરંટ ઓફિસર એમએમ અલીને ચાર-પાંચ દિવસથી તાવ હતો.

પોઝિટિવ રિપોર્ટ મળ્યા બાદ દિલ્હી આરોગ્ય મંત્રાલયની ટીમે સ્થાનિક ટીમ સાથે દર્દીના ઘરે મુલાકાત લીધી હતી. દર્દી પોખરપુરનો રહેવાસી છે. સીએમઓ ડો.નૈપાલ સિંહે બે ટીમ બનાવી છે. ACMO ડૉ. સુબોધ પ્રકાશની આગેવાની હેઠળની એક ટીમ પરદેવનપુર પોખરપુર ગઈ હતી, જ્યાં પરિવારમાં પત્ની અને પુત્ર અને પુત્રીના સંપર્કમાં આવેલા 22 લોકોના નમૂના લેવામાં આવ્યા હતા. એરફોર્સ કર્મચારીનો એક પુત્ર પુણેમાં રહે છે અને પુત્રી બેંગ્લોરમાં રહે છે, બીજી ટીમે સેવેન એરફોર્સ હોસ્પિટલમાં તપાસ કરી હતી.