પાલનપુરઃ રાજ્યમાં બનાસકાંઠામાં આવેલી પાકિસ્તાની બોર્ડર પર ભારતીય જવાનોનો રાત-દિવસ 24 કલાક ચોકી પહેરો રહેતો હોય છે. ભારત પાકિસ્તાન સીમા લોકોના અવરજવર માટે બંધ છે. પરંતુ આજે પણ કેટલાય પાકિસ્તાની નાગરિકો અજાણતા આંતરરાષ્ટ્રીય સીમા ક્રોસ કરી ફેંસિંગ સુધી પહોંચી જતાં હોય છે. જે પાકિસ્તાની નાગરિકોની BSF દ્વારા અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આવી જ એક ઘટના તાજેતરમાં બની હતી.
બનાસકાંઠા – કચ્છ બોર્ડર પર આવેલા બાલાસર વિસ્તારમાં જ્યાં અજાણતા પાકિસ્તાની નાગરિક આંતરરાષ્ટ્રીય સીમા હદ વિસ્તાર વટાવી ફેંસિંગ સુધી પહોંચ્યો હતો. મૂળ પાકિસ્તાનના નગરપારકર તાલુકાના મેડો ગામનો રહેવાસી અહેસાન માસ્ટર (ઉં. વ.25) વર્ષ અજાણતા આંતરરાષ્ટ્રીય સીમા સુધી પહોંચ્યો હતો. જેને BSF ના જવાનોએ પકડી પાડ્યો હતો. જેની પાકિસ્તાન સેના દ્વારા શોધખોળ કરવામાં આવતા પાકિસ્તાન સેનાએ ભારતીય સેનાનો સંપર્ક કર્યો હતો. જે બાદ બોર્ડર પિલર નંબર 1029/3 પર BSF અને પાકિસ્તાન સેનાની ફ્લેગ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મીટિંગમાં BSF દ્વારા આ પાકિસ્તાન નાગરિકને પાકિસ્તાન સેનાને સોંપવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ BSF ના જવાનોએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સીમા પર શાંતિ અને સૌહાર્દ નું વાતાવરણ ઉભું કરી સદભાવના પ્રસ્થાપિત કરી છે. એક અજાણ યુવકને પાકિસ્તાન સેનાને સુપ્રત કર્યો હતો. BSF ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ તરીકે 24 કલાક આંતરરાષ્ટ્રીય સીમા પર કાર્યરત છે. જેના કારણે આજે આપણે સુરક્ષિત છીએ. BSF ના આંતરરાષ્ટ્રીય સીમા પર ફ્લેગ માર્ચ દરમ્યાન પાકિસ્તાન યુવકને સોંપી ફરી માનવતા મહેકાવી છે.