Site icon Revoi.in

મુખ્યમંત્રીએ ફરિયાદો મળ્યા બાદ રાજકોટ ભાજપના કોર્પોરેટરોને કાલે મંગળવારે ગાંધીનગર તેડાવ્યાં

Social Share

રાજકોટઃ ભાજપના વન ડે વિથ વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે રાજકોટ શહેર અને જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં કોર્પોરેટર વચ્ચે ચાલતા જુથવાદને લઈ વહિવટી કામોને અસર પડી રહી હોવાથી ફરિયાદો મળતા મુખ્યમંત્રી ખૂબ નારાજ થયા હતા.  થોડા સમય પહેલાં જ રાજકોટ શિક્ષણ સમિતિમાં યુનિફોર્મ કૌભાંડને લઇને દરેક હોદ્દેદારોના રાજીનામાં લઇ લેવાયા હતા. મુખ્યમંત્રી સુધી પહોંચેલી રજૂઆત મુજબ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનનું વહીવટનું સ્તર ખૂબ કથળ્યું હોવાથી મુખ્યમંત્રીએ  તમામ કોર્પોરેટરોને કાલે મંગળવારે ગાંધીનગર તેડાવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓમાં જુથબંધી ચાલી રહી છે. જેમાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો અને હોદ્દેદારોને કારણે પક્ષની આબરુ ખરાબ થઇ રહી છે. લોકાભિમુખ કામ થવાને બદલે અંગત કામો અને સ્વાર્થને પ્રાથમિકતા અપાય છે. આ સિવાય સ્થાનિક સંગઠન સાથેના ખટરાગને કારણે અહીં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. મુખ્યમંત્રીએ આ તમામ કોર્પોરેટરોને તાબડતોબ બોલાવીને ગાંધીનગરમાં દરેક બાબતમાં સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પણ આ કોર્પોરેટરો મળી શકે છે. મુખ્યમંત્રીએ તાજેતરમાં રાજકોટમાં યોજેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર અને રાજકોટને જોડતા રોડની ખરાબ હાલતને લઇને પણ ચર્ચા કરી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાજેતરમાં રાજકોટના પ્રવાસે ગયા હતા.જ્યાં
મુખ્યમંત્રીએ સર્કિટ હાઉસમાં સ્થાનિક અધિકારીઓ સાથે અલગથી બેઠક કરી હતી. જેમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, જિલ્લા કલેક્ટર, પોલિસ કમિશનર, રેન્જ આઇજી તથા પીજીવીસીએલના અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. તેમણે અહીં સરકારની યોજનાઓના યોગ્ય અમલીકરણ અંગે સમીક્ષા કરી હતી. દિવસે વીજળી આપવા બાબતે તેમણે ચર્ચા કરી હતી.