Site icon Revoi.in

શક્તિસિંહ ગોહિલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે આરૂઢ બાદ હવે ગુજરાત કોંગ્રેસના પ્રભારી પણ બદલાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે પદભાર સંભળ્યા બાદ પ્રદેશ સંગઠનમાં નવી ઊર્જા આવી હોય તેમ નેતાઓ અને કાર્યકરો સક્રિય બની રહ્યા છે. કોંગ્રેસ છોડીને અન્ય પક્ષોમાં ગયેલા નેતાઓ અને કાર્યકરોને સ્વમાનભેર પક્ષમાં લાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. સાથે જ  નવા પ્રમુખપદે શકિતસિંહ ગોહિલની નિયુકિત બાદ હવે પ્રભારીથી માંડીને શહેર-જિલ્લા સ્તરે મોટા બદલાવ થવાના સંકેત મ્ળ્યા છે. લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને બહુ ટુંકાગાળામાં આ ફેરફારો થવાની સંભાવના છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી પણ બદલાશે. ટૂક સમયમાં નવા પ્રભારીના નામની જાહેરાત કરવામાં આવશે. કહેવાય છે. કે,  પ્રભારીપદ માટે ત્રણ રાષ્ટ્રીય નેતાઓનાં નામ શોર્ટલીસ્ટ કરાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર અને તેના કારણો જાણવા નિયુકત કરાયેલી સભ્યશોધક સમિતિનાં સનસનીખેજ રીપોર્ટ બાદ કોંગ્રેસ હાઈકમાંડે સમગ્ર સંગઠન સ્તરે ધરમુળથી ફેરફારનો નિર્ણય લીધો હતો અને તેના ભાગરૂપે જગદીશ ઠાકોરનાં સ્થાને પ્રદેશ પ્રમુખ તરીકે શકિતસિંહ ગોહિલની નિયુકિત જાહેર કરી હતી. શક્તિસિંહ ગોહિલે નવા પદનો કાર્યભાર પણ સંભાળી લીધો છે. હવે નવા પ્રભારીની નિયુકિત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રઘુ શર્માનાં સ્થાને નવા પ્રભારી તરીકે ત્રણ નામો શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં બી.કે.હરિપ્રસાદ ઉપરાંત મોહન પ્રકાશ તથા નીતીન રાઉતના નામો ચર્ચામાં છે. બી.કે.હરિપ્રસાદ ભુતકાળમાં પણ ગુજરાતની જવાબદારી સંભાળી ચુકયા છે. જયારે નીતિન રાઉતને તાજેતરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી હારના કારણો ચકાસવાની કમીટીનાં વડા બનાવાયા હતા. તેઓએ ગુજરાતનો રીપોર્ટ તૈયાર કર્યો હતો. આ સંજોગોમાં આ બન્ને નેતાઓ ગુજરાત કોંગ્રેસનાં આંતરીક રાજકારણથી વાકેફ છે. જ્યારે મોહન પ્રકાશ પણ સીનીયર નેતા છે. તેમનુ નામ પણ ચર્ચામાં છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  પ્રદેશ પ્રમુખ શકિતસિંહ સહિતનાં સિનિયર નેતાઓને હાઈકમાન્ડનું તેડુ આવતા તમામ નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. પક્ષના અધ્યક્ષ સહિત રાહુલ ગાંધી સાથે પણ બેઠક યોજશે. જ્યાં લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત નવા પ્રભારી વિશે પણ ચર્ચા થવાની સંભાવના છે. પ્રદેશ સંગઠનને વિશ્વાસમાં લઈને જ નવા પ્રભારીનું નામ નકકી કરાશે.