Site icon Revoi.in

BJPના ધારાસભ્યએ કોંગ્રેસમાં જવાની વાત કર્યા બાદ ફેરવી તોળ્યું, ના..રે ના હું તો ભાજપમાં જ રહેવાનો છું

Social Share

અમદાવાદઃ રાજકારણમાં કાયમી કોઈ દોસ્ત નથી હોતુ કે, કાયમી કોઈ દુશ્મન, રાજકિય નેતાઓ પોતાના અંગત સ્વાર્થ માટે પાર્ટીઓ બદલતા હોય છે. રાજકારણમાં વફાદારીનો શબ્દ હવે માત્ર ડિસ્કનરીમાં રહી ગયો છે. એમાં યે ચૂંટણી ટાણે તો પાટલી બદલુંની મોસમ ખીલી ઉઠતી હોય છે. પાર્ટીના નેતાઓ પક્ષને મજબુત કરવા અન્ય પાર્ટીના નેતાને લેતા હોય છે ત્યારે ઘણીવાર પક્ષના સ્થાનિક નેતા નારાજ થતા હોય છે. ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર પક્ષના નેતાઓથી નારાજ છે. સોમવારે નડીયાદમાં ખિલખિલાટ વાનના લોકાર્પણના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, વિધાનસભાના મુખ્ય દંડક પંકજ પટેલે ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય અને એનસીપીના નેતા જયંત બોસ્કીને બોલાવતાં ગોવિંદ પરમાર ખૂબ ગિન્નાયા હતા. અને એવી ચીમકી આપી દીધી હતી કે, બોસ્કીને ભાજપમાં લેવાશે તો પોતે કોંગ્રેસમાં જોડાઈ જશે.

ગોવિંદ પરમારે જણાવ્યું  હતું કે ભાજપના નેતાઓ બોસ્કીને ભાજપમાં લાવવા પ્રયત્ન કરી રહ્યા છે, જો બોસ્કી ભાજપમાં આવશે તો તેઓ કોંગ્રેસમાં જતા રહેશે. પરમાર જ મુખ્યમંત્રી કાર્યાલયમાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેઓએ બોસ્કી અંગે પંકજ દેસાઇ સાથે વાત કરી ત્યારે તેમણે મને કહ્યું કે કોઇ કામ અર્થે મળવા બોસ્કી નડિયાદ આવ્યા ત્યારે લોકાર્પણના કાર્યક્રમમાં જોડાઇ ગયા હતા, અન્ય કોઇ વાત નથી. પરંતુ મને ખબર છે કે તેમને ભાજપમાં લાવવાના પ્રયત્ન થઇ રહ્યા છે. પરમારે કહ્યું કે આ સરકારમાં કોંગ્રેસમાંથી આવેલાં અન્ય ધારાસભ્યોને મંત્રી બનાવ્યા પણ આણંદમાંથી હું એક ચૂંટાયો તેમ છતાં મને મંત્રી બનાવાયો નથી. હજુ કોંગ્રેસના કેટલાંય નેતાઓ સાથે મારે મિત્રતા છે.

જો કે પાર્ટીમાંથી દબાણ આવતા ગોવિંદ પરમારે કહ્યું કે, ‘હું કોઈથી નારાજ નથી, પક્ષ છોડવાની કોઈ વાત જ નથી’. બોસ્કી ભાજપમાં જોડાશે આ પ્રકારની વાતો ખોટી છે. હું ભાજપમાં જ છું અને ભાજપમાં જ રહીશ. મંત્રી પદ આપે કે ના આપે, એ પક્ષનો નિર્ણય છે. મેં લોકોના અનેક કામ કર્યા છે અને પક્ષ ફરી ટીકીટ આપશે તો જીતી બતાવીશ.