Site icon Revoi.in

ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાત ભાજપના સંગઠન ફેરફારની શક્યતા

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવીને સત્તાના સૂત્રો ફરીવાર સંભાળ્યા છે. ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ છે, ત્યારે ચૂંટાયેલી ઘણા ધારાસભ્યો પણ સંગઠનમાં હોદ્દાઓ સંભાળી રહ્યા છે. તેમને રૂખસદ આપીને અન્ય કાર્યકર્તાઓને સંગઠનમાં સમાવેશ કરવામાં આવશે. ભાજપની રાષ્ટ્રીય કારોબારી હાલ દિલ્હીમાં ચાલી રહી છે. મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ કારોબારીમાં હાજરી આપવા માટે દિલ્હી ગયા છે. રાષ્ટ્રીય કારોબારી પૂર્ણ થયા બાદ એકાદ પખવાડિયામાં ભાજપના સંગઠનમાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં 156 સીટો જીત્યા બાદ ભાજપ સંગઠન અને સરકારમાં મોટા ફેરફાર કરવાના મૂડમાં છે. સરકારમાં ભાજપે 16 મંત્રીઓનો સમાવેશ કરી મંત્રી મંડળના વિસ્તરણ માટે તક બાકી રાખી છે. સંગઠનમાં પણ બદલાવ આવી શકે છે. બે કે તેથી વધુ હોદ્દાઓ ધરાવતા નેતાઓની પાંખો કાપી લેવાનો નિર્ણય લેવાયો છે. સંગઠન સાથે જોડાયેલાં આ બધાય ધારાસભ્યો પાસેથી રાજીનામુ લઇ લેવાશે જેથી અન્ય સક્રિય નેતા-કાર્યકરોને સંગઠનમાં સમાવી શકાય. ભાજપ એક વ્યક્તિ એક હોદાનો નિયમ અમલમાં લાવી શકે છે. જેને પગલે ઘણા બધા નેતાઓને સાચવી શકાય. હાલમાં ભાજપ સંગઠન અને સરકાર બંને સ્તરે મજબૂત છે. હાઈકમાન્ડ પર નેતાઓને સાચવવાનું પ્રેશર છે. હાલમાં ઓછી જગ્યાઓ વચ્ચે સરકાર અને સંગઠનને અલગ કરી દેવાશે. જેમાં સરકારમાં સમાવેશ થનારાને સંગઠનનો લાભ નહીં મળે અને સંગઠનમાં હશે એ સરકારમાં જશે તો પણ રાજીનામું આપી દેવું પડશે. રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ ગુજરાત ભાજપ પ્રદેશના માળખામાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો સાથે ઐતિહાસિક વિજય હાંસલ કર્યા બાદ આ પેટર્ન આધારે ભાજપે હવે લોકસભાની ચૂંટણી જીતવાની તૈયારી આરંભી છે. ભાજપના કેટલાંય ધારાસભ્યો એવા છે જે પ્રદેશ અથવા જિલ્લામાં હોદો ધરાવે છે. એક વ્યક્તિ એક હોદાની પોલીસી લાગુ છે ત્યારે ગુજરાત ભાજપ ફેરફારો કરી શકે છે. જેને પગલે સરકાર અને સંગઠન એમ બંને જગ્યાએ પગ રાખી કામ કરાવતા નેતાઓને ઝટકો લાગી શકે તેમ છે. ગુજરાત ભાજપની પોલીટિકલ લેબોરેટરી છે ત્યારે આ પ્રયોગ કરવામાં આવે તેમ છે. આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણી બાદ કેટલાય નેતાઓ સામે ફરિયાદો ઉઠી હતી ત્યારે ફેરફારના બહાને કેન્દ્રીય નેતાગીરી સંગઠનમાં ય સફાઇ કરવા આતુર છે. આ કારણોસર ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ફેરફાર શું થાય તેના પર બધાની નજર છે, ત્યાર બાદ ગુજરાત ભાજપના પ્રદેશ માળખામાં મોટા ફેરફાર તોળાઇ રહ્યા છે.