Site icon Revoi.in

સચિન GIDCની કંપનીમાં આગ બાદ GPCB આવ્યું હરકતમાં, ક્લોઝર નોટિસ સાથે રૂ. 50 લાખનો દંડ ફટકારાયો

Social Share

અમદાવાદઃ સુરતમાં સચિન જીઆઈડીસી ખાતે આવેલી કંપનીમાં લાગેલી ભીષણ આગમાં સાત કર્મચારીઓ ભડથું થઈ જવાની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ હવે કંપની સામે કાર્યવાહીનો દોર શરુ કરવામાં આવ્યો છે. દરમિયાન જીપીસીબીએ ક્લોઝર નોટિસની સાથે રૂ. 50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. બીજી તરફ કલેક્ટર દ્વારા સમગ્ર મામલાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીને સાત દિવસમાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ રજુ કરવા માટે સુચના આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સચિન જીઆઈડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. તેમજ કેમિકલમાં ભેદી બ્લાસ્ટ પણ થયો હતો. આ બનાવમાં ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને કલાકોની જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. તેમજ 24થી વધારે વ્યક્તિઓ દાઝ્યા હતા. જ્યારે સાત કર્મચારીઓ ગુમ હોવાનું માલુમ પડ્યું હતું. આગ ઉપર પરિસ્થિતિ મેળવ્યા બાદ તપાસ કરવામાં આવતા સાતેયના ભડથુ થયેલા મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો હતો. તેમજ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને વિવિધ એજન્સીઓએ પણ તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.

સમગ્ર ઘટનાની તપાસ માટે કલેક્ટર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે અને તેને સાત દિવસમાં જ તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ રજુ કરવા માટે સુચના આપવામાં આવી છે. આ કમિટીમાં ગુજરાત પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડ એટલે કે જીપીસીબીના અધિકારી, ચીફ ફાયર ઓફિસર, સચિન પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અને ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બીજી તરફ જીપીસીબી પણ હરકતમાં આવ્યું છે અને કંપનીને ક્લોઝર નોટિસ આપવાની સાથે રૂ. 50 હજારનો દંડ ફટકાવવામાં આવ્યો છે. તેમજ જીપીસીબીની મંજુરી વગર ઉત્પાદન શરુ નહીં કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જીપીસીબી દ્વારા શરૂઆતમાં ઢીલી નીતિ રાખવામાં આવ્યાં બાદ કાર્યવાહી કરાતાં નક્કર કાર્યવાહી કરવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. ફેક્ટરી ઈન્સ્પેક્ટરની પ્રથામિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. ટેટ્રાહાઈડ્રોફ્યુરન, સોલવન્ટ મિશ્રિત કેમિકલ કાંટીમાંથી લીક થયાનું ખુલ્યું છે. ટાંકીમાંથી કેમિકલ લીકેજને પગલે આ ઘટના સર્જાયાનું સામે આવ્યું છે. હવે આ ઘટનામાં કેમિકલ બનાવતા કમ્પ્યુટરરાઈઝ્ડ ડેટાનું પણ એનાલિસિસ કરવામાં આવશે.