Site icon Revoi.in

નવસારીમાં વરસાદી આફત બાદ કચરો અને ગંદકી દુર કરવા સફાઈ અભિયાન હાથ ધરાયું

Social Share

નવસારીઃ શહેર અને જિલ્લામાં શનિવારે પડેલા ભારે વરસાદને કારણે વિકટ સ્થિતિ ઊભી થઈ હતી. માત્ર ચાર કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નવસારી શહેરના રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા, જે વિસ્તારોમાં કદી પૂરના પાણી જોવા મળ્યા ન હતા તે વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. વરસાદ થંભી જતાં અને ત્યારબાદ વરસાદી પાણી ઓસર્યા બાદ શહેરમાં વરસાદને લીધે રોડ પર જામેલો કચરો અને ગંદકી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નવસારી શહેરમાં ભારે વરસાદને કારણે ખાડીઓ પણ ઉભરાતા રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા,  જેને કારણે ગંદકીએ માજા મૂકી હતી, નવસારી અને વિજલપુર નગરપાલિકા દ્વારા ખાડીઓ અને ગટરનું મેનેજમેન્ટ યોગ્ય રીતે ન કરાતા શહેરમાં ઓછા વરસાદે જ પૂરની સમસ્યા જોવા મળી છે. આ સમસ્યા દર વર્ષે વધુને વધુ વકરી રહી છે તેને પહોંચી વળવા માટે નગરપાલિકાએ નક્કર પ્લાનિંગ કરીને ભારે વરસાદમાં રસ્તા ઉપર રહેલું પાણી વહેલી તકે ગટર મારફતે શહેરમાંથી દૂર થઈ જાય તેવા પ્લાનિંગ કરવાની જરૂર ઊભી થઈ છે.

નવસારી શહેરમાં કેટલાક બિલ્ડરોએ ડ્રેનેજનું જોડાણો સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનમાં કરી દીધા હોવાની ફરિયાદો પણ ઊઠી છે.  આ મામલે નગરપાલિકાના સત્તાધિશોએ  બિલ્ડરો સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી કરી નથી અથવા તો જોડાણ રદ કર્યા નથી. જેને કારણે વરસાદી પાણી કલાકો સુધી રોડ રસ્તા ઉપર ફેલાયેલું રહે છે. હાલમાં પાલિકાની ટીમ શહેરમાં ખડકાયેલા કચરા અને ગંદકીને દૂર કરવામાં લાગી છે પરંતુ ભવિષ્યમાં ફરીવાર માત્ર ચાર કલાકમાં નવસારી શહેર કુદરતના કહેર સામે લાચર ન બને તે માટે સર્વે કરીને પાણી નિકાલની વ્યવસ્થા ઊભી કરાશે.