Site icon Revoi.in

ગુજરાતમાં અસહ્ય ગરમી બાદ તાપમાનમાં આંશિક ઘટાડો થતા લોકોએ થોડી રાહત અનુભવી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે ઉનાળો વધુ આકરો બન્યો છે. છેલ્લા એક સપ્તાહથી અસહ્ય ગરમીને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ગરમીને લીધે લોકોના જનજીવન પર પણ અસર પડી રહી છે. ત્યારે હવે ગરમીમાં ક્રમશઃ ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને રાહત આપતી આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સૂકુ વાતાવરણ રહશે. દક્ષિણ તરફથી પવન શરૂ થતા તાપમાનમાં ઘટાડો થશે અને રાજ્યમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. જો કે, હીટવેવની કોઇ આગાહી નથી.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે કેરળમાં 27મેના રોડ ચોમાસું બેસવાનું અનુમાન છે ત્યારે ગુજરાતમાં જૂન મહિનાની આસપાસ વરસાદ આવી શકે છે. હાલમાં ઉત્તરી પશ્ચિમી પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી પવનો ફૂંકાતા તાપમાનમાં વધારો થયો હતો. પણ હવે તાપમાનમાં ઘટાડો થશે.
દરમિયાન રાજકોટમાં શનિવારે ગરમીનો પારો 42.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. જોકે રાજ્યના અમદાવાદ સહિત તમામ શહેરોમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. જોકે બપોરના ટાણે હજુ પણ અસહ્ય તાપમાનનો અહેસાસ થઈ રહ્યો છે. શહેરના મુખ્યમાર્ગો પર ટ્રાફિકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.  ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.0 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 50 ટકા અને પવનની ઝડપ 36 કિ.મી પ્રતિ કલાકની રહેવા પામી હતી. છેલ્લા કેટલાય દિવસથી આકરા તાપ અને બફારાથી લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે.