Site icon Revoi.in

ખારાઘોડાના રણમાં વરસાદને લીધે પાણી ભરાતા અગરિયા પરિવારો મુશ્કેલીમાં મુકાયાં

Social Share

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડાના રણમાં ભારે વરસાદના પગલે અગરિયાઓની ઘરવખરી પાણીમાં પાણીમાં ભીજાઈ ગઈ હતી. ચારેકોર પાણી નજરે પડતા મીઠું પકવાતા અગરિયાઓનો જીવ તાળવે ચોંટી ગયો હતો. બાદમાં અગરિયાઓ માંડ જીવ બચાવી ટ્રેક્ટરમાં પોતાના ગામ પરત ફર્યા હતા.

આઝાદી પહેલાથી  કચ્છના નાનારણમાં પેઢી દર પેઢીથી પરંપરાગત  મીઠું પકવાતા અગરિયા પરિવારો આ વર્ષે પણ એક પછી એક આફતોનો સામનો કરી રહ્યા છે. વનવિભાગ દ્વારા અગરિયાઓને રણમાં મીઠું પકવવાની મંજૂરી ન અપાતા અગરિયા પરિવારો પોતાની અસ્તિત્વની લડાઈ માટે ઝઝૂમ્યા હતા. જેમાં ભારે લડત બાદ વનવિભાગ દ્વારા એમને રણમાં મીઠું પકવવાની મંજૂરી અપાતા તેઓ ચેકપોસ્ટ પર નોંધણી કરાવીને રણમાં મીઠું પકવવા પ્રયાણ કર્યું હતું. પરંતુ બીજું બાજુ સૂકા મલક તરીકે ઓળખાતા વેરાન પાટડી પંથકમાં છેલ્લા બે દિવસમાં જ ચારથી પાંચ ઇંચ વરસાદ ખાબકવાની સાથે ખારાઘોડા રણમાં પણ મુશળધાર વરસાદ ખાબકતા આખુ રણ મીની સમુદ્રમાં ફેરવાઈ ગયું હતુ. જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી જ નજરે પડી રહ્યું છે. રણમાં મુહૂર્ત અને મીઠું પકવવા ગયેલા અનેક અગરિયા પરિવારો ભારે વરસાદમાં રણમાં ફસાયા હતા. જેમાં રણમાં ભારે વરસાદના પગલે અગરિયાઓના ઝુંપડા સહિત સીધુસામાન અને તમામ ઘરવખરી વરસાદી પાણીમાં તણાઈ ગઈ હતી.

કચ્છમાં નાના રણમાં છેલ્લા બે દિવસથી અવિરત ખાબકતા વરસાદના પગલે મીઠું પકવાતા અગરિયાઓનો જીવ તાળવે ચોંટી ગયો હતો. બાદમાં અગરિયાઓએ પોતાના સગાવહાલાઓને ફોન કરી રણમા ટ્રેક્ટરો મંગાવી અગરિયાઓ માંડ જીવ બચાવી ટ્રેક્ટરમાં બેસી પોતાના વતન પરત ફર્યા હતા. જેમાં વનવિભાગ દ્વારા અગરિયા સમુદાયને મીઠું પકવવાની મંજૂરી આપવામાં આવ્યા બાદ તેઓ મુહૂર્ત કરી મીઠું પકવવા રણમાં ગયા હતા.